Rajkot Jungleshwar Demolition: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી ‘ઓપરેશન જંગલેશ્વર’ની કાર્યવાહીએ સેંકડો પરિવારોને પાયમાલ કરી દીધા છે. તંત્રના બુલડોઝરે લાખો ચોરસ મીટર જમીન ખાલી કરાવી ખરી, પરંતુ આ કડક કાર્યવાહી વચ્ચે માનવીય સંવેદનાઓને સ્પર્શતી અનેક કરૂણ ગાથાઓ સામે આવી રહી છે. વર્ષોની મહેનત બાદ બનાવેલા ઘર પર જ્યારે જેસીબીના પંજા ફરી વળ્યા, ત્યારે સૂકાની સાથે લીલુ બળે તેવી સ્થિતિમાં અનેક મજૂર પરિવારો આ ધોમધખતા તાપમાં રસ્તા પર આવી ગયા છે.
જન્મ જ્યાં થયો, ત્યાં જ ઘર તોડી પડાયું: હારૂનભાઈની વ્યથા
આ ડિમોલિશનમાં સૌથી વધુ હૃદયદ્રાવક સ્થિતિ જંગલેશ્વર શેરી નંબર-3માં રહેતા 42 વર્ષીય વિકલાંગ યુવાન હારૂનભાઈ અલારખાભાઈ સુમરાની જોવા મળી છે. હારૂનભાઈએ રડતી આંખે જણાવ્યું કે, "મારો જન્મ આ જ મકાનમાં થયો હતો. મારા માતા-પિતા હવે ખૂબ જ વૃદ્ધ છે. હું પોતે વિકલાંગ હોવા છતાં કારખાનામાં મજૂરી કરીને મારા પરિવારના 8 સભ્યોનું પેટ ભરી રહ્યો છું. જીવનભરની કમાણીના એક-એક રૂપિયા ભેગા કરીને મેં 12 લાખના ખર્ચે આ મકાન બનાવ્યું હતું, જે આજે ક્ષણભરમાં કાટમાળમાં ફેરવાઈ ગયું."
હારૂનભાઈએ તંત્ર સામે આક્ષેપ કર્યો છે કે, તેમને યોગ્ય નોટિસ આપવામાં આવી નહોતી. માત્ર બે દિવસ પહેલા મૌખિક જાણ કરવામાં આવી કે ઘર ખાલી કરી દેજો. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારીએ તેમની વિકલાંગતા કે આર્થિક સ્થિતિ પર દયા દાખવી નથી.
8 સભ્યોના પરિવારને કોઈ મકાન ભાડે આપવા તૈયાર નથી
વિકલાંગ યુવાનની માતાએ રૂંધાયેલા ગળે જણાવ્યું કે, તેમણે 52 વર્ષ પહેલા માત્ર સાડા છ હજાર રૂપિયામાં ઝૂંપડા જેવી હાલતમાં આ જગ્યા લીધી હતી. ઇંટોના ભઠ્ઠામાં મજૂરી કરીને અને દીકરાએ લોહીનું પાણી કરીને પાકા ઘરનું સપનું પૂરું કર્યું હતું. પરંતુ હવે જ્યારે મકાન તૂટી ગયું છે ત્યારે સામાનના ઢગલા લઈને તેઓ રોડ પર બેઠા છે. તેમની સૌથી મોટી મુશ્કેલી એ છે કે પરિવારમાં 8 સભ્યો હોવાથી શહેરમાં કોઈ તેમને ભાડે મકાન આપવા તૈયાર નથી. લોકો બે-ત્રણ સભ્યોના નાના પરિવારને જ પસંદ કરે છે, આવી સ્થિતિમાં આ ગરીબ પરિવાર હવે ક્યાં જાય તે મોટો પ્રશ્ન છે.
તંત્રની કાયદેસરની પ્રક્રિયા અને માનવીય પાસું
રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સરકારી જમીન પરના દબાણો હટાવવા માટે આ કડક ઝુંબેશ ચલાવવામાં આવી છે. તંત્રનું કહેવું છે કે આ બધી જ જમીનો ગેરકાયદેસર રીતે દબાણ હેઠળ હતી અને કાયદેસરની પ્રક્રિયા મુજબ જ ડિમોલિશન કરવામાં આવ્યું છે.
જોકે, સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોનો સવાલ છે કે, શું ડિમોલિશન પહેલાં વિકલાંગ અને અત્યંત ગરીબ પરિવારોના પુનર્વસન માટે કોઈ વ્યવસ્થા ન થઈ શકે? 50-50 વર્ષથી રહેતા પરિવારો માટે વૈકલ્પિક આવાસ યોજના હેઠળ ઘર ફાળવ્યા બાદ આ કાર્યવાહી કેમ ન કરવામાં આવી?
કાયદો જીત્યો કે સંવેદના હારી?
જંગલેશ્વરના આ દ્રશ્યો વિકાસ અને કાયદાના અમલીકરણ પાછળ છુપાયેલી ગરીબોની લાચારીને છતી કરે છે. એક તરફ તંત્ર જમીન મુક્ત કરાવીને પોતાની સિદ્ધિ ગણાવી રહ્યું છે, તો બીજી તરફ હારૂનભાઈ જેવા અનેક લોકો રસ્તા પર બેસીને ન્યાયની આશા રાખી રહ્યા છે.
