Rajkot Elections 2026: રાજકોટમાં ભાજપનું મિસ મેનેજમેન્ટ, મેન્ડેટ મોડા આવતા પહેલીવાર વિજય મુહૂર્ત ચૂકાઈ ગયું

કોંગ્રેસ ઉમેદવાર વશરામ સાગઠિયા ફોર્મ ભરીને પ્રાંત કચેરીમાં બહાર નીકળ્યા, ત્યારે સામે મળેલા AAPના ઉમેદવાર પ્રકાશ ચાવડાનો મેન્ડેટ ફાડી નાંખતા અફરાતફરી મચી ગઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 11 Apr 2026 07:50 PM (IST)Updated: Sat, 11 Apr 2026 07:50 PM (IST)
rajkot-elections-2026-bjp-misses-vijay-muhurat-amid-chaos-candidates-file-forms-late
HIGHLIGHTS
  • વોર્ડ નંબર-7માં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલવાની જાહેરાતથી સોંપો
  • વિજય વિશ્વાસ સંમેલનમાં નેતાઓ ભાષણ ઝીંકતા ઉમેદવારોના શ્વાસ અદ્ધર

Rajkot Elections 2026: રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકના ભાજપના ઉમેદવારોના ફોર્મ ભરવામાં ભારે વિરોધ અને અસંતોષ વચ્ચે અવ્યવસ્થા સર્જાઈ હતી અને મેન્ડેટની ટીંગાટોળી થઈ પડતાં વિજય મુહૂર્ત ચૂકાઈ ગયું હતું.

જેના પગલે બપોરે દોઢ વાગ્યા બાદ ઉમેદવારી પત્રકો ભરી શકાયા હતાં. રાજકોટમાં ભાજપના ઈતિહાસમાં આ પ્રથમ વખત ઘટના બની હતી કે, ભાજપ વિજય મુહૂર્ત ચુકી ગયું હોય.

ગઈકાલે મોડી સાંજ ભાજપના 72 ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું, ત્યારથી જ શહેર ભાજપ કાર્યાલયમાં અંધાધુંધ શરૂ થઈ ગઈ હતી. કપાયેલા ઉમેદવારોના સમર્થકો દ્વારા રાતભર ધમાલ મચાવતાં કાર્યાલય ખાતે ફોર્મ ભરવા માટે કરવામાં આવેલી જડબેસલાક વ્યવસ્થા ભાંગી પડી હતી.

ભારે દેકારા, નારાજગી અને રીસામણા-મનામણા વચ્ચે યોજાયેલ વિજય વિશ્વાસ સંમેલનમાં વોર્ડ નં.7ના ભાજપના ઉમેદવાર શૈલેષ જાનીને બદલી તેના સ્થાને પૂર્વ કોર્પોરેટર નેહલ શુકલને ટિકિટ આપવાની જાહેરાત થતાં સોંપો પડી ગયો હતો. વિજય વિશ્વાસ સંમેલનમાં નેતાઓ ભાષણ ઝીંકતા હતા, પરંતુ ઉમેદવારોના નામના મેન્ડેટ નહીં પહોંચતાં ઉમેદવારોના શ્વાસ અદ્ધર ચડી ગયા હતાં.

મેન્ડેટની રાહમાં બપોરે 12.39 વાગ્યાનું વિજય મુહૂર્ત પણ ચુકાઈ ગયું હતું અને બપોરે દોઢ વાગ્યા આસપાસ મેન્ડેટ આવતાં ભાજપના તમામ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. ભાજપના કાર્યકરો અને ટેકેદારો મોટી સંખ્યામાં એકત્ર થયા હતાં અને મેન્ડેટ આવ્યા બાદ બપોરે દોઢ વાગ્યા પછી સૌએ વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી હતી. જો કે આ વખતે ભાજપનું મિસમેનેજમેન્ટ સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું.

આપના ઉમેદવારનો મેન્ડેટ ફાડી નાંખતા બઘડાટી
વોર્ડ નં.15નાં ઉમેદવારી પત્રકો ભરવા સમયે આજે ચૂંટણી અધિકારી કચેરીમાં ટોળા એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશ ચાવડાનો કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠીયાએ મેન્ડેટ ફાડી નાંખતા ભારે દેકારો મચી જવા પામ્યો હતો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતાં. આ મામલો તંગ બનતા પોલીસે કસરત કરવી પડી હતી.

નજરે જોનાર લોકોના કહેવા મુજબ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ફોર્મ ભરવા આવ્યા, ત્યારે ફોર્મ ભરીને પ્રાંત કચેરીમાંથી બહાર નીકળી રહેલ વશરામ સાગઠીયાએ આપના ઉમેદવારનો મેન્ડેટ ફાડી નાખતાં ભારે અફડાતફડી મચી ગઈ હતી.