રાજકોટ જિલ્લામાં ચૂંટણી પહેલા ખળભળાટ: DDO એ ગોંડલ અને જેતપુરના સરપંચો સહિત 18 ને કેમ કર્યા સસ્પેન્ડ?

રાજકોટ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ દ્વારા આકરા અને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 08 Nov 2026 08:11 AM (IST)Updated: Sun, 08 Nov 2026 08:11 AM (IST)
rajkot-ddo-action-18-panchayat-representatives-suspended-gondal-jetpur-sarpanch

Rajkot News: રાજકોટ જિલ્લામાં ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણીઓની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ત્યારે ચૂંટણી પૂર્વે જ રાજકોટ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ દ્વારા આકરા અને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં ઘોર બેદરકારી અને ગેરરીતિ કરવાનારાઓ સામે વહીવટી સપાટો બોલાવવામાં આવ્યો છે.

5 વર્ષમાં 18 જનપ્રતિનિધિઓ સામે કાર્યવાહી

ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદ દ્વારા વર્ષ 2021થી આજદિન સુધી પદ પર રહેતા સત્તાકીય ફરજ બજાવવામાં અસમર્થતા, ઘોર બેદરકારી, હોદ્દાનો દુરુપયોગ અને નૈતિક અધ:પતનના ગુનાઓમાં સામેલ હોવાના ગંભીર આક્ષેપો હેઠળ કુલ 18 જનપ્રતિનિધિઓને તેમના પદ પરથી દૂર કે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વહીવટી કામગીરીમાં 12 સરપંચ, 3 ઉપસરપંચ, 2 પંચાયત સભ્ય અને 1 તાલુકા સભ્ય સામેલ છે.

તાલુકાવાર કાર્યવાહીની વિગત

જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવેલી આ આકરી કાર્યવાહીમાં તાલુકાવાર આંકડા નીચે મુજબ છે:

  • ગોંડલ તાલુકો: સૌથી વધુ 6 જનપ્રતિનિધિ
  • જેતપુર તાલુકો: 4 જનપ્રતિનિધિ
  • લોધિકા તાલુકો: 3 જનપ્રતિનિધિ
  • રાજકોટ તાલુકો: 2 જનપ્રતિનિધિ
  • ઉપલેટા તાલુકો: 2 જનપ્રતિનિધિ
  • કોટડાસાંગાણી તાલુકો: 1 જનપ્રતિનિધિ

મોવિયાના સરપંચને કરાયા પદભ્રષ્ટ

ગોંડલ તાલુકાના મોવિયા ગામના સરપંચ કંચનબેન રોહિતભાઈ ખૂંટ સામે સરકારી નાણાંનો કરકસરયુક્ત ઉપયોગ કરવાને બદલે પંચાયતને નાણાકીય નુકસાન થાય તેવો વ્યવહાર કરવા બદલ અને સરપંચની સત્તાનો દુરુપયોગ કરવાના ગંભીર આક્ષેપો પુરવાર થયા હતા. આથી DDO દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 57(1) હેઠળ તારીખ 9 જુલાઈ 2026ના રોજ તેમને સરપંચ પદેથી દૂર કરી દેવામાં આવ્યા છે.