Rajkot News:રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં રાજકોટ દૂધ સંઘ દ્વારા અંતિમ દૂધ ભાવ વિતરણનો કાર્યક્રમ યોજાયો

રાજકોટ દૂધ સંઘે 'સહકારથી સમૃદ્ધિ' પ્રોજેક્ટ હેઠળ ૫૨,૮૧૨ પશુપાલકોને રૂ. ૭૫ કરોડનો અંતિમ દૂધ ભાવ ચૂકવ્યો. મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પશુપાલન અને સહકારી ક્ષેત્રના વિકાસ પર ભાર મુકાયો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 15 Aug 2026 09:36 PM (IST)Updated: Sat, 15 Aug 2026 09:36 PM (IST)
rajkot-dairy-distributes-75-cr-final-milk-price-to-farmers

Rajkot News: રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા આજરોજ જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતા તેમજ સાંસદ પરશોત્તમ રૂપાલા અને ધારાસભ્યો જયેશ રાદડીયા તથા ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં અંતિમ દૂધ ભાવ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 'સહકારથી સમૃદ્ધિ' પ્રોજેક્ટ હેઠળ વર્ષ ૨૦૨૫-'૨૬ના નફામાંથી કુલ ૫૨,૮૧૨ પશુપાલકોના બેન્ક ખાતામાં પ્રતિ કિલોગ્રામ પેટે રૂ. ૮૪ લેખે કુલ રૂ. ૭૫ કરોડની રકમના અંતિમ દૂધ ભાવની ડિજીટલી ચૂકવણી કરવામાં આવી હતી.
આ તકે કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, રાજ્યમાં પશુપાલન, કૃષિ અને ડેરી ક્ષેત્રના વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ 'સહકારથી સમૃદ્ધિ'ના મંત્ર સાથે દેશમાં સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. દેશમાં પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝને બહુહેતુક બનાવીને સહકારી મંડળીઓને વધુ સત્તા આપવામાં આવી છે. સહકારી બેન્કમાં થાપણો સાથે માઇક્રો એ.ટી.એમ.ની સુવિધા થકી છેવાડાના ગ્રામીણ વિસ્તાર સુધી વહીવટ સરળ બન્યો છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ રાજ્ય સરકાર દ્વારા રાજકોટને બાયો સી.એન.જી. પ્લાન્ટ માટે જમીન અને સહાય પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી હતી.
સાંસદ પરશોત્તમ રૂપાલાએ ભાવ તફાવતની સમજ આપતા જણાવ્યું હતું કે પશુપાલકો પાસેથી દૂધ ખરીદતી વખતે નિયમિત ચૂકવવામાં આવતા ભાવ ઉપરાંત, દૂધ અને તેની બનાવટોના વેચાણમાંથી જે નફો થાય છે તે નફો પુનઃ પશુપાલકોને જ પાછો આપવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં નવા સહકાર મંત્રાલયની સ્થાપના થઈ છે. દેશના સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકારી ક્ષેત્રમાં ક્રાંતિકારી ફેરફારો લાવવામાં આવ્યા છે. હવે ગામડાંની સહકારી મંડળીઓને માત્ર દૂધ કે બેંકિંગ પૂરતી સીમિત ન રાખતાં, રેશનિંગ દુકાન, ગેસ વિતરણ અને અન્ય સરકારી લાયસન્સની પ્રક્રિયાઓ સાથે પણ જોડવામાં આવશે.
ધારાસભ્ય જયેશ રાદડીયાએ જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રના પારદર્શક વહીવટના કારણે રાજકોટ ડેરીએ રૂ. ૯૦ કરોડનો ઐતિહાસિક નફો નોંધાવ્યો છે. જિલ્લામાં દરરોજ સરેરાશ ૪.૫૦ લાખ લીટર દૂધની આવક થાય છે. રાજકોટ ડેરી અને સહકારી બેન્કના સશક્ત સંકલનથી રાજકોટ જિલ્લાનું સહકારી માળખું સમગ્ર દેશમાં અગ્રણી સ્થાન ધરાવે છે.

વિવાંતા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સૌથી વધારે ભાવફેર મેળવનારી ૧૯ દૂધ મંડળીઓના મંત્રી અને પ્રમુખનું ગાયની પ્રતિમા અને શાલ તેમજ સૌથી વધારે ભાવફેર મેળવનારા ૧૪ આદર્શ દૂધ ઉત્પાદકોને ભાવ તફાવતનો ચેક આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, પશુપાલકોને અકસ્માત વીમા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.