રાજકોટમાં 77 વર્ષીય વૃદ્ધા 'ડિજિટલ અરેસ્ટ': સાયબર ભોપાળામાં રુ. 55 લાખ ગુમાવ્યા, અસલી પોલીસને જોઈ આંસુ છલકાયા

રાજકોટના પંચનાથ પ્લોટમાં સાયબર ઠગોએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે 77 વર્ષીય વૃદ્ધાને 7 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખી 55 લાખ રૂપિયા પડાવી લીધા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 28 Aug 2026 07:56 AM (IST)Updated: Fri, 28 Aug 2026 07:56 AM (IST)
rajkot-cyber-fraud-digital-arrest-elderly-couple-scam-55-lakh-mumbai-crime-branch

Rajkot Cyber Fraud: રાજકોટ શહેરના પંચનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા 77 વર્ષીય એકાકી વૃદ્ધ દંપતી સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. સાયબર ઠગોએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે ખોટી ઓળખાણ આપીને સતત 7 દિવસ સુધી વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા. ત્યારબાદ તેમની પાસેથી કટકે કટકે રુ.55 લાખની માતબર રકમ પડાવી લીધી હતી. ઉપરાંત વધારે 41 લાખની માંગ કરવામાં આવી હતી. જોકે દંપતી પાસે હવે કોઈ પૈસા ન હોવાથી દીકરીને જાણ કરતાં પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.

વૃદ્ધ દંપતિ સાથે છેતરપિંડી આચરવામાં આવી

મળતી માહિતી મુજબ, પંચનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતીને 18 ઓગસ્ટના રોજ વોટ્સએપ કોલ દ્વારા સાયબર માફિયાઓએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી. દંપતીને પ્રભાવમાં લેવા માટે આરબીઆઈના નકલી દસ્તાવેજો મોકલ્યા હતા. ઉપરાંત અપરાધીઓએ વૃદ્ધાના સીમકાર્ડ અને બેન્ક એકાઉન્ટનો ઉપયોગ દ્વારા સાયબર ટેરરિઝમમાં થયો હોવાની ખોટી માહિતી આપી સતત 7 દિવસ સુધી ઘરમાં ડિજિટલ એરેસ્ટ કરી દીધા હતા.

સાયબર ઠગોએ વધુ રુપિયાની માંગણી કરી

સાયબર ગઠિયાઓએ વૃદ્ધ દંપતિ પાસેથી 55 લાખની રકમ પડાવી લીધી હતી. પરંતુ વધારે પૈસાની માંગણી કરતા 41 લાખની માંગણી કરી હતી. વધુ નાણા ચૂકવવા માટે વૃદ્ધાએ ફિક્સ ડિપોઝિટ તોડવા મુંબઈ રહેતી દીકરીને ફોન કર્યો હતો. પરંતુ માતાના ગભરાયેલા અવાજથી દીકરીને શંકા જતાં ગઈ હતી અને તેણે તાત્કાલિક રાજકોટ સાયબલ ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો

અસલી પોલીસને જોઈ વૃદ્ધાના આંસુ છલકાયા

રાજકોટ પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે ડરના માર્યા વૃદ્ધાએ દરવાજો ન ખોલ્યો. પોલીસે ધીરજતાપૂર્વક વૃદ્ધાને સમજાવીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. સતત સાત દિવસ સુધી માનસિક ત્રાસ બાદ અસલી પોલીસને સામે જોઈને વૃદ્ઘા ભાવુક થઈને રડી પડ્યા હતા. પોલીસે તેમને સાંત્વના આપીને પાણી પીવડાવ્યું હતું.

ઘટના બાદ પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગે રાજકોટ ડીસીપી જગદીશ બાંગરવાના જણાવ્યા મુજબ, વૃદ્ધા પાસેથી પડાવેલી રકમ પશ્ચિમ બંગાળના વિવિધ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. હાલ ખાતાધારકો અંગે પોલીસ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી રહી છે.