રાજકોટમાં 2 વર્ષની બાળકીના મોતનો ખૌફનાક ખુલાસો: જન્મથી જ ગમતી ન હોવાથી સગી જનેતાએ પાંચમા માળેથી નીચે ફેંકી!

માતા દ્વારા કોઈ અજાણી વ્યક્તિએ બાળકી સાથે દુર્ઘટના સર્જી હોવાની વાત કરવામાં આવી હતી, પરંતુ પોલીસને આ અંગે શંકા જતાં પરિવારજનો સહિત 12થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 15 Oct 2026 12:43 PM (IST)Updated: Thu, 15 Oct 2026 12:43 PM (IST)
rajkot-crime-news-mother-throws-2-yearold-daughter-from-5th-floor

Rajkot Crime News: રાજકોટના કુવાડવા રોડ પર આવેલી શહીદ ઉધમસિંહ ટાઉનશિપમાં બે વર્ષની માસૂમ બાળકી સ્નેહલ સાકરીયાના શંકાસ્પદ મોતના કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. બાળકીનું મોત અકસ્માતે થયું હતું કે તેને કોઈએ પાંચમા માળેથી નીચે ફેંકી દીધી હતી, તે અંગે ચાલી રહેલી તપાસમાં પોલીસને મહત્ત્વની કડી મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકીની માતા પૂનમબેન સાકરીયાએ જ તેને પાંચમા માળેથી ફેંકી દીધાની કબૂલાત કરી છે. પ્રાથમિક વિગતો મુજબ, જન્મથી જ દીકરી પસંદ ન હોવાના કારણે આ કૃત્ય કર્યાનું તપાસમાં સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ગત 12 તારીખે બાળકી પાંચમા માળેથી નીચે પટકાતાં તેનું મોત થયું હતું. શરૂઆતમાં આ ઘટનાને અકસ્માત ગણાવવામાં આવી હતી. જોકે, ઘટનાના સંજોગો શંકાસ્પદ જણાતાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. માતા દ્વારા કોઈ અજાણી વ્યક્તિએ બાળકી સાથે દુર્ઘટના સર્જી હોવાની વાત કરવામાં આવી હતી, પરંતુ પોલીસને આ અંગે શંકા જતાં પરિવારજનો સહિત 12થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.

આ કેસની તપાસ રાજકોટ ક્રાઇમ બ્રાંચ માટે પડકારજનક બની હતી. ઘટનાસ્થળે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ ઉપલબ્ધ ન હોવાથી તપાસમાં મુશ્કેલી ઊભી થઈ હતી. બીજી તરફ, પરિવારજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી કોઈ અજાણી વ્યક્તિ કપડાં, ચાદર, ગોદડાં, ચપ્પલ અને કુંડાં જેવી વસ્તુઓ નીચે ફેંકી રહી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને પોલીસે વિવિધ પાસાઓની તપાસ હાથ ધરી હતી.

બાળકીના મોત બાદ પરિવારજનોનાં નિવેદનો અને ઘટનાસ્થળની પરિસ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન પોલીસ દ્વારા નાર્કો ટેસ્ટની મંજૂરી મેળવવા માટે કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હોવાની વિગતો પણ સામે આવી હતી. જોકે, કેસમાં આગળ વધેલી તપાસ દરમિયાન માતા સામે શંકા વધુ મજબૂત બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન પૂનમબેન સાકરીયાએ બાળકીની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. આ ખુલાસા બાદ પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બે વર્ષની માસૂમ બાળકીના મોતની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે. જોકે, કેસમાં આરોપ સંબંધિત તમામ હકીકતોની ન્યાયિક પ્રક્રિયા દરમિયાન ચકાસણી થવાની બાકી છે. પોલીસ દ્વારા ઘટનાના અન્ય પાસાઓની તપાસ અને જરૂરી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.