Rajkot News: રાજકોટ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ યથાવત રહ્યું છે. આજે વધુ પાંચ નવા કોવિડ-19 પોઝિટિવ કેસ નોંધાતા શહેરમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 37 પર પહોંચી ગયો છે. હાલ 33 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. 19 મે 2025થી આજરોજ સુધીમાં રાજકોટ શહેરમાં કુલ 37 કેસ નોંધાયા છે, જેમાંથી 4 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.
આજે નોંધાયેલા પાંચ નવા કેસ પૈકી બે દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. જેમાં વોર્ડ-14, માસ્તર સોસાયટીના 45 વર્ષીય મહિલા વિયેતનામથી પરત ફર્યા હતા, જ્યારે વોર્ડ-10, ઉમાપાર્કના 52 વર્ષીય પુરુષ જામનગરથી આવ્યા હતા.
અન્ય ત્રણ કેસમાં વોર્ડ-8, અતિથિ ચોકના 56 વર્ષીય પુરુષ; વોર્ડ-1, સોપાન હાઈટના 25 વર્ષીય પુરુષ; અને વોર્ડ-8, રૈયા રોડના 69 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. રાહતની વાત એ છે કે તમામ પાંચેય દર્દીઓની તબિયત હાલ સ્થિર છે અને તેઓને તબીબી સલાહ મુજબ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. મોટાભાગના દર્દીઓએ કોરોના વેક્સિનના ત્રણેય ડોઝ લીધા હોવાનું પણ સામે આવ્યું છે, જે સંક્રમણની ગંભીરતા ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.
