Gujarat Bomb Threat: રાજ્યમાં સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારતી વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, મહાત્મા મંદિર તેમજ વાડીનારથી ન્યારા રિફાઇનરી અને સિક્કાથી જામનગર સુધીના પોર્ટ અને રિફાઇનરી સંકુલોને ડ્રોન તથા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.
'ખાલિસ્તાન ઝિંદાબાદ'ના ઉલ્લેખ સાથે ધમકી
પ્રાપ્ત વિગતો અનુસાર, ધમકીભર્યા ઈ-મેઈલમાં 'ગુજરાત બોલેગા ખાલિસ્તાન ઝિંદાબાદ' અને અન્ય વિવાદાસ્પદ ઉલ્લેખો સાથે ગંભીર ધમકીઓ આપવામાં આવી છે. આ ઈ-મેઈલમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બપોરે 3:11 વાગ્યે હુમલો કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત વાડીનારથી ન્યારા રિફાઈનરી અને સિક્કાથી જામનગર સુધી ડ્રોન એટેક તેમજ મહાત્મા મંદિરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકીભર્યા મેઈલના પગલે સ્થાનિક પોલીસ તંત્ર અને બોર્ડર સિક્યુરિટી એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.
સાયબર ક્રાઇમ અને ગુપ્તચર એજન્સીઓ સક્રિય
રાજ્યમાં વારંવાર આ પ્રકારના ઈ-મેઈલ આવવાથી સાયબર ક્રાઈમ અને ગુપ્તચર એજન્સીઓ સક્રિય થઈ છે. ઈ-મેઈલ મોકલનાર આઈડી સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
