દિવાળી બાદ એક સાથે 115 નાયબ મામલતદારને બદલી કલેક્ટરનો મોટો વહીવટી ફેરફાર

કલેક્ટર ડો. ઓમ પ્રકાશે એક જ ઝાટકે 115 નાયબ મામલતદારોની બદલીના હુકમ કર્યા, કલેક્ટર કચેરીથી લઈને તાલુકા કચેરીઓ સુધી જવાબદારી બદલાશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 13 Nov 2026 12:51 PM (IST)Updated: Fri, 13 Nov 2026 12:51 PM (IST)
rajkot-collector-transfers-115-deputy-mamlatdars-after-diwali

Rajkot News: રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા દિવાળીની રજાઓ પૂર્ણ થતાની સાથે જ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા નાયબ મામલતદાર સંવર્ગના એકસાથે 115 કર્મચારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. એક જ સ્થળે લાંબા સમયથી, ખાસ કરીને ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરવાની બદલી કરવામાં આવી છે.

કલેક્ટર કચેરીથી લઈને તાલુકા કચેરીઓ સુધી જવાબદારી બદલાશે

આ બદલીમાં માત્ર તાલુકા કક્ષાના કર્મચારીઓ જ નહીં, પરંતુ જિલ્લા કલેક્ટર કચેરીની વિવિધ શાખાઓ, મહેસૂલ વિભાગ, ચૂંટણી શાખા, પુરવઠા વિભાગ, ઇ-ધરા કેન્દ્ર, જનસેવા કેન્દ્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, જમીન સંપાદન સહિતની કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.બદલીના હુકમ મુજબ વિવિધ કર્મચારીઓને એક કચેરીમાંથી બીજી કચેરીમાં મૂકવામાં આવ્યા છે. કેટલાક કર્મચારીઓને જિલ્લા કક્ષાની કચેરીઓમાંથી તાલુકા કક્ષાએ જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે કેટલાકને તાલુકા કચેરીઓમાંથી જિલ્લા કક્ષાની વિવિધ શાખાઓમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

મહેસૂલી વિભાગના કર્મચારીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો

આ ઉપરાંત રાજકોટ શહેરની પૂર્વ અને દક્ષિણ મામલતદાર કચેરીઓ, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જસદણ, વિંછીયા, પડધરી અને લોધિકા સહિતની કચેરીઓમાં પણ કર્મચારીઓની અદલાબદલી કરવામાં આવી છે. દિવાળીની રજાઓ પૂર્ણ થયા બાદ તાત્કાલિક અસરથી આટલી મોટી સંખ્યામાં બદલીઓ કરવામાં આવતાં મહેસૂલી વિભાગના કર્મચારીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ કરીને કલેક્ટર કચેરીની વિવિધ શાખાઓમાં થયેલા ફેરફારને કારણે આગામી દિવસોમાં વહીવટી કામગીરીની નવી ગોઠવણ જોવા મળશે.