રાજકોટ સિવિલ હોસ્પિટલના 300થી વધુ જુનિયર ડોક્ટરો હડતાલ પર, આરોપી સામે કડક કાર્યવાહીની માગ

આ સમગ્ર વિવાદની શરૂઆત 28 ડિસેમ્બરના રોજ થઈ હતી, જ્યારે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ન્યુરોસર્જન ડોક્ટર પાર્થ પંડ્યા પર જયદીપ ચાવડા નામના શખ્સે હુમલો કર્યો હતો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 01 Jan 2026 11:29 AM (IST)Updated: Thu 01 Jan 2026 11:29 AM (IST)
rajkot-civil-hospital-over-300-junior-doctors-strike-over-demanding-action-665932

Rajkot Civil Hospital: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો ઘેરાયા છે. હોસ્પિટલના 300થી વધુ જુનિયર ડોક્ટરોએ ન્યુરોસર્જન પર થયેલા હુમલાના વિરોધમાં આજથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન કર્યું છે. આ હડતાલને કારણે સિવિલ હોસ્પિટલની સામાન્ય દર્દી સેવાઓ, ખાસ કરીને ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ પર ગંભીર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.

શું છે સમગ્ર મામલો?

આ સમગ્ર વિવાદની શરૂઆત 28 ડિસેમ્બરના રોજ થઈ હતી, જ્યારે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ન્યુરોસર્જન ડોક્ટર પાર્થ પંડ્યા પર જયદીપ ચાવડા નામના શખ્સે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ તબીબી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જુનિયર ડોક્ટર એસોસિએશને આ હુમલાને વખોડી કાઢ્યો છે.

હુમલાખોર જયદીપ ચાવડા સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. ડોક્ટરોની માંગ છે કે આરોપી વિરુદ્ધ દાખલ થયેલા કેસમાં ઝડપી અને ન્યાયપૂર્ણ તપાસ થાય. જુનિયર ડોક્ટરોના હડતાલ પર ઉતરી તબીબી સેવાને અસર પહોંચી શકે છે. જેના પગલે દર્દીઓ અને તેમના સગાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

પોલીસે રજૂ કરેલા સીસીટીવી ફૂટેજ અધૂરા: પરિવારનો દાવો

હુમલાના આરોપી જયદીપ ચાવડાના પરિવારજનોએ પોલીસ તપાસની નિષ્પક્ષતા સામે સવાલો ઉઠાવ્યા છે. પરિવારનો દાવો છે કે પોલીસે રજૂ કરેલા સીસીટીવી ફૂટેજ અધૂરા છે અને તેમાં સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટપણે દેખાતો નથી. તેઓએ રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ લેખિત રજૂઆત કરીને સમગ્ર ઘટનાના સંપૂર્ણ સીસીટીવી ફૂટેજ ચકાસીને જ આગળની કાર્યવાહી કરવા વિનંતી કરી છે, જેથી સત્ય બહાર આવી શકે.