Rajkot News: સૌરાષ્ટ્રને ભારતીય જનતા પાર્ટીનો અભેદ ગઢ માનવામાં આવે છે. આ ગઢને વધુ મજબૂત કરવા અને આગામી રણનીતિ ઘડવા માટે આજે રાજકોટમાં ભાજપના સૌરાષ્ટ્ર ઝોન સંગઠનની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જોકે, આ બેઠકમાં સૌથી વધુ ચર્ચાનો વિષય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી રહ્યા હતા.
રૂપાણી પરિવારને એક્ટિવ કરવા મથામણ ભાજપના વિશ્વસ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના રાજકારણમાં વિજયભાઈ રૂપાણીના પરિવારને ફરીથી સક્રિય કરવા માટે ભાજપ હાઈકમાન્ડે કમર કસી છે. આ અંગે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના શીર્ષ નેતૃત્વએ અંજલીબેન રૂપાણી સાથે ખાસ બંધ બારણે બેઠક યોજી હતી. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા જોર પકડ્યું છે કે અંજલીબેન રૂપાણીને સંગઠનમાં કોઈ મોટો હોદ્દો અથવા મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે.
શહેર પ્રમુખને બહાર બેસાડાયા આ હાઈપ્રોફાઈલ બેઠકમાં એક ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જ્યારે અંજલીબેન રૂપાણી સાથે રાષ્ટ્રીય અને પ્રદેશ નેતાઓ ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને બેઠકમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા હતા. સંગઠનની આ મહત્વની ચર્ચા દરમિયાન શહેર પ્રમુખને જ દૂર રાખવામાં આવતા રાજકોટ ભાજપમાં આંતરિક ખદબદ શરૂ થઈ ગઈ છે અને અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.
નેતાઓ સાથેની બેઠક બાદ અંજલીબેન રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં સૂચક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "વિજયભાઈએ સંગઠન સ્તરે ખૂબ કામ કર્યું છે અને તેમના કામથી સંગઠન પરિચિત છે. હું પાર્ટીની એક કાર્યકર્તા છું. જો સંગઠન કહેશે અને કોઈ જવાબદારી સોંપશે, તો હું ચોક્કસપણે સક્રિય થઈશ.
