રાજકોટ પોલીસ જાપ્તામાંથી ભાગ્યો કુખ્યાત ગુનેગાર અજય, અપહરણ અને મારામારી સહિત 25 ગુના નોંધાયેલા

રાજકોટ જિલ્લા જેલમાંથી અજય પરસોડાને સારવાર અને સર્જનને દેખાડવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 30 Oct 2026 09:46 PM (IST)Updated: Fri, 30 Oct 2026 09:46 PM (IST)
prisoner-ajay-parsonda-escapes-from-rajkot-police-custody-in-civil-hospital

Rajkot News: રાજકોટના રેલનગરનો કુખ્યાત ગુનેગાર અજય માનસિંગ પરસોડા પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ છે. 27 વર્ષીય ગુનેગાર અજય વિરુદ્ધ લૂંટ, અપહરણ, મારામારી અને ચેઈન સ્નેચિંગ અને ગેરકાયદેસર હથિયાર રાખવા સહિત આશરે 25 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. ગુનેગારને પકડી પાડવા માટે હાલ પોલીસ ટીમો પૂરજોશમાં શોધખોળ કરી રહી છે.

રાજકોટ જિલ્લા જેલમાંથી અજય પરસોડાને સારવાર અને સર્જનને દેખાડવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. સવારે પોલીસ જાપ્તા હેઠળ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા બાદ ગુનેગાર અજયને પરત લઈ જવા પોલીસ વાહનમાં બેસાડવા આવી રહ્યો હતો. ત્યારે ફરજ પરના પોલીસ સ્ટાફને ચકમો આપી તે ભાગી છૂટ્યો હતો.

સિવિલ હોસ્પિટલમાંથી ભાગી અજય હોસ્પિટલ ચોકથી જ્યુબિલી તરફ ભાગ્યો, પોલીસે તેનો પીછો કર્યો પણ ગુનેગાર અજય હાથમાં આવ્યો નહીં. આ મામલે પોલીસ કંટ્રોલરૂમ અને પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરવામાં આવી છે. તેને પકડવા માટે શહેર અને જીલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018 માં પણ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અજયની પૂછપરછ ચાલી રહી હતી. ત્યારે કુદરતી હાજતે જવાના બહાને જઈ ટોઈલેટની બારીમાંથી કૂદકો મારી તે ભાગી ગયો હતો, જોકે પોલીસે તેને દબોચી લીધો હતો. કુખ્યાત અજય પરસોંડાના રેલનગર વિસ્તારમાં ગેરકાયદેસર જમીન પર બનાવેલા તેના મકાન પર રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી ડિમોલિશનની કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે.

અજય પરસોડાને પકડવા માટે પોલીસે ઠેર ઠેર તપાસ શરૂ કરી છે. આ મામલે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરાર થયેલા કુખ્યાત અજય પરસોડા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આઠ વર્ષમાં બીજી વખત પોલીસને ચકમો આપીને ફરાર થયેલા અજય પરસોંડાને ભાગવામાં કોઈએ મદદ કરી કે કેમ તે મામલે સિવિલ હોસ્પિટલ તેમજ આસપાસના CCTV ફૂટેજ પર પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. વધુમાં, જો કોઈએ મદદ કરી હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ તપાસનીશ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.