Rajkot News:રાજકોટ શહેરમાં વ્યાજબખોરી અને જમીન હડપવાના કૌભાંડો આચરનારા મુખ્ય આરોપી અલ્પેશ દોંગા અને તેના સાગરીતો સામે પોલીસનો શિકંજો વધુ મજબૂત બન્યો છે. રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ ડીસીબીના પીઆઇ એ.એસ. ચાવડા, આર્થિક ગુના નિવારણ શાખાના પીએસઆઇ સી.બી.જાડેજા,જનકભાઈ તથા તેમની ટીમે સઘન કાર્યવાહી કરીને અલ્પેશ દોંગા વિરૂૂદ્ધ વધુ એક ગુનો નોંધ્યો છે.
આ નવી ફરિયાદ સાથે જ અલ્પેશ દોંગા સામે નોંધાયેલી ફરિયાદોનો કુલ આંક 14 પર પહોંચી ગયો છે. સણોસરા ગામના એક માલધારી ખેડૂતને ઢોરનો તબેલો બનાવવા માટે રૂ.9 લાખની લોન આપી, સિક્યુરીટીના નામે તેમની કિંમતી જમીનનો દસ્તાવેજ કરાવી લીધા બાદ, લોન ચુકતે થઈ ગયા છતાં દસ્તાવેજ રદ કરવા માટે રૂ.1 કરોડની ઉઘાડી લૂંટ ચલાવવા અને લાયસન્સવાળું હથિયાર બતાવી ધમકી આપવા બદલ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ફરિયાદની વિગત મુજબ, આરોપી અલ્પેશ ગોપાલભાઇ દોંગાએ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ રાજકોટ ખાતેથી ’શ્રી મની પ્લસ શરાફી સહકારી મંડળી લીમીટેડ’ નામે 10 લોકોની અજાણતા બોગસ સહીઓ અને બનાવટી દસ્તાવેજો રજૂ કરી મંડળીની નોંધણી મેળવી લીધી હતી. પોતાની પાસે નાણાં ધીરધારનું કોઈ લાયસન્સ ન હોવા છતાં, સોશિયલ મીડિયા પર જરૂૂરિયાતમંદ ખેડૂતોને સરળતાથી લોન આપવાની લોભામણી જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવતી હતી. સણોસરા ગામના માલધારી લાલજીભાઈ મેપાભાઈ ફાંગલીયાને ઢોરનો તબેલો બનાવવા પૈસાની જરૂૂરિયાત ઊભી થતાં તેઓ અલ્પેશની ઓફિસે પહોંચ્યા હતા.
જમીન પર અગાઉથી બેંક લોન ચાલુ હોવાનું બહાનું બતાવી અલ્પેશે સિક્યુરીટી પેટે જમીનનો દસ્તાવેજ પોતાના મળતિયાઓના નામે કરી આપવાની શરત મૂકી માસિક અઢી ટકાના ઊંચા વ્યાજે રૂ.9 લાખની ધિરાણ રકમ આપી હતી.
ફરિયાદી લાલજીભાઈએ પોતાના માલિકીની ખોરાણા ગામની 4 એકર જમીન પૈકી 2-2 એકર જમીનના દસ્તાવેજ સિક્યુરીટી પેટે આરોપી જીતેન્દ્રભાઈ મનસુખભાઈ નશીત અને પરસોત્તમભાઈ લુણાગરીયાના નામે કરી આપ્યા હતા.
