રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો કટાક્ષ: સહકારી ક્ષેત્રની સરાહના સાથે ‘રાલો સંઘ’ના વિવાદ પર મુખ્યમંત્રીની હાજરીમાં રાજકીય પ્રહાર

પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં દિલીપ સંઘાણીના સન્માન સમારોહમાં સહકારી ક્ષેત્રની પ્રશંસા કરી, પરંતુ રાલો સંઘના આંતરિક વિવાદ પર નામ લીધા વિના કટાક્ષ કર્યો. તેમણે રાલો સંઘની 300 કરોડની ડિપોઝિટનો ઉલ્લેખ કરી રાજકીય ટોણો માર્યો, જેણે પ્રદેશ નેતૃત્વની ભૂમિકા પર સવાલો ઉભા કર્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 03 Nov 2026 04:33 PM (IST)Updated: Tue, 03 Nov 2026 04:33 PM (IST)
parshottam-rupala-remarks-on-ralo-sangh-controversy-at-rajkot-event-in-cms-presence

Rajkot News: રાજકોટમાં આયોજિત દિલીપ સંઘાણીના અભિવાદન સમારોહમાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) ગુજરાતના સહકારી ક્ષેત્રના ઐતિહાસિક યોગદાન અને અગ્રણી નેતાઓની દૂરંદેશીની મુક્ત મને પ્રશંસા કરી હતી. જો કે સંબોધન દરમિયાન તેમણે રાજકોટ લોધિકા સંઘના આંતરિક વિવાદ (Ralo Sangh controversy) પર નામ લીધા વિના મારેલા રાજકીય ટોણાએ ભારે ચર્ચા જગાવી છે..

તેલ સંગ્રહ માટે ‘રાલો સંઘ’નું માળખું અને 300 કરોડની ડિપોઝિટ

પોતાના સંબોધનમાં રૂપાલાએ સ્વ. વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરતાં જણાવ્યું કે, ખાદ્યતેલની અછતના નિરાકરણ માટે રાજકોટના પાદરમાં ‘રાલો સંઘ’ના માધ્યમથી એડિબલ ઓઇલ સંગ્રહની વિશાળ ક્ષમતા ઊભી કરાઈ હતી, જે આજે પણ અડીખમ છે. યોગ્ય સંચાલનને કારણે સંઘ પાસે 300 કરોડની ડિપોઝિટ જમા છે.

ડિપોઝિટના ઉલ્લેખ વખતે મંચ પર ઉપસ્થિત સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી હસવા લાગ્યા હતા, ત્યારે રૂપાલાએ સૂચક ટોણો મારતાં કહ્યું હતું કે, "જગદીશભાઈ શા માટે દાંત કાઢે છે એ મને સમજાય છે, પણ એની વાત અત્યારે હું અહીં કરવા નથી માંગતો.

નોંધનીય છે કે, છેલ્લા બે મહિનાથી રાજકોટ લોધિકા સંઘમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક આંતરિક જૂથવાદને કારણે અધ્ધરતાલ છે, ત્યારે આ નિવેદનથી પ્રદેશ નેતૃત્વની દરમિયાનગીરી પર સવાલો ઊભા થયા છે.

રૂપાલાએ અન્ય અગ્રણીઓની સરાહના કરતાં જણાવ્યું કે, દિલીપભાઈ સંઘાણીએ ખેડૂતો માટે બેંક ક્રેડિટ કાર્ડનો જે વિચાર આપ્યો હતો, તે આજે ભારત સરકારની નીતિ બની ગયો છે. આ સાથે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાના નેતૃત્વમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક દ્વારા દેશમાં સૌપ્રથમવાર ખેડૂતોને વિના વ્યાજે ધિરાણ આપવાનો સફળ પ્રયોગ હાથ ધરાયો હતો.