Dakor Stray Cattle Attack: પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રખડતા ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વકરી રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશો અને દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ સતત ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે.
તાજેતરમાં ડાકોરના ગાયત્રી મંદિર રોડ પરથી પસાર થઈ રહેલા એક વૃદ્ધા પર રખડતી ગાયે અચાનક કરેલા જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર અને રોષનું મોજું ફરી વળ્યું છે.
ગાયત્રી મંદિર રોડ વિસ્તારમાં રહેતા અનસૂયાબેન ચૌહાણ નામના વૃદ્ધા પોતાના ઘરેથી મંદિર દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પર અચાનક ધસી આવેલી એક આક્રમક ગાયે તેમને સીંગડું મારીને જમીન પર પટકી દીધા હતા. વૃદ્ધા નીચે પટકાતાની સાથે જ ગાયે તેમને સતત રગદોળવાનું અને ગોથા મારવાનું ચાલુ રાખ્યું હતું.
આ ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો અને મહિલાઓ તાત્કાલિક વૃદ્ધાને બચાવવા માટે દોડી આવ્યા હતા. જો કે ઘટનાસ્થળે તરત જ લાકડું કે અન્ય કોઈ સાધન ન મળવાને કારણે ગાયને ભગાડવામાં ભારે મુશ્કેલી પડી હતી. લોકોએ ભારે જહેમત અને મહામહેનતે ગાયને ખસેડીને વૃદ્ધાને તેના પંજામાંથી ઉગારી લીધા હતા.
આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અનસૂયાબેનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તપાસ દરમિયાન તેમના માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાનું બહાર આવ્યું હતું. સીટી સ્કેન કરાવતી વખતે પણ કડવો અનુભવ થયો હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે.
ગોઝારી ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થયા બાદ, તંત્રની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પરિવારે ડાકોર નગરપાલિકા સામે કડક વલણ અપનાવીને કાનૂની નોટિસ ફટકારી છે. નગરપાલિકાની ઉદાસીનતાને કારણે જ આવી ઘટનાઓ બની રહી હોવાનો આક્રોશ વ્યક્ત કરતા સ્થાનિકોએ રખડતા ઢોરના કાયમી નિકાલની માંગ કરી છે.
-1793702636663_m.webp)