Rajkot News:રાજકોટ-અમદાવાદ હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બેટી અને રામપર ગામ નજીક પુરપાટ ઝડપે દોડતી કાર અને ટેન્કર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ૩ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ૪ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સાંજે છ વાગ્યે રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી પસાર થતી એક કાર અને ટેન્કર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફૂરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં મોતને ભેટેલા અને ઈજાગ્રસ્ત લોકો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામના વતની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મૃતકોમાં ૧. વિલાસબેન વિનુભાઈ મેઘાણી (ઉંમર ૨૨ વર્ષ)૨. લાભુબેન વિનુભાઈ મેઘાણી (ઉંમર અંદાજે ૫૫ વર્ષ)૩. ધુનાબેન દિનેશભાઈ ડાભી (ઉંમર અંદાજે ૨૫ વર્ષ) ના મોત નીપજ્યા હતા.
અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનોની લાંબી કતારો લાગી જતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક પૂર્વવત કરવા માટે કવાયત હાથ ધરી હતી. હાલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
