સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવોથી ધોધમાર વરસાદ, હાઈવે પર પાણી ભરાયા, અબડાસામાં વીજળી પડતા ખેડૂતનું મોત

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 27 Jun 2023 04:15 PM (IST)Updated: Tue, 27 Jun 2023 04:28 PM (IST)
light-to-heavy-rains-in-saurashtra-kutch

ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ દિવસ હળવોથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે હાઈવે પર પાણી ભરાયા છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કચ્છના અબડાસામાં વીજળી પડતા એક ખેડૂતનું મોત જ્યારે બે ઘાયલ હોવાના સમાચાર સાપડી રહ્યાં છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત ત્રીજા દિવસે હળવોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, રાજકોટ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ સહિતના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. સારા વરસાદના કારણે સૌરાષ્ટ્રના નદી-નાળા છલકાયા હતા.

વીજળી પડતાં ખેડૂતનું મોત
કચ્છના જિલ્લાના અબડાસાના સુડધ્રો મોટી ગામે વીજળી પડવાની ઘટના બની છે. જેમાં એક ખેડૂતનું મોત થયું છે જ્યારે બે ઘાયલ થયા હતા. બન્ને ઘાયલને નળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. ખેડૂતનું મોત થતાં ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

રાજકોટ જિલ્લાનાં 7 ડેમોમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક
ચોમાસાનાં પગલે રાજકોટ જિલ્લાના કુલ 7 ડેમોમાં 24 કલાકમાં નવા નીરની આવક થઇ છે. જેમાં સૌથી વધુ આજી-3 ડેમ 1.02 ફૂટ, ન્યારી-2 ડેમ 0.98 ફૂટ, સોડવદર ડેમ 0.66 ફૂટ, મોજ ડેમ 0.62 ફૂટ , ફોફળ અને આજી-1 ડેમ 0.30 ફૂટ, આજી-2 ડેમ 0.16 ફૂટ સહીતના ડેમોમાં નવા પાણીની આવક થઇ છે.