રાજકોટ-અમદાવાદ હાઈવે પર ભયાનક અકસ્માત, બંધ ટેન્કર પાછળ કાર ઘૂસી જતા કેશોદના યુવકનું ઘટનાસ્થળે જ મોત

કુવાડવા નજીક સર્જાયેલા અકસ્માત બાદ પોલીસ ટીમે કારના પતરા કાપી દોઢ કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 17 Nov 2026 04:36 PM (IST)Updated: Tue, 17 Nov 2026 04:36 PM (IST)
keshod-gujarati-singer-kishan-solanki-dies-in-rajkot-ahmedabad-highway-accident

Rajkot Accident News: રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. હાઇવે વચ્ચે બંધ ટેન્કર પાછળ એક કાર ઘૂસી ગઈ હતી. કારમાં સવાર કેશોદના ગંગનાથ પરા વિસ્તારમાં રહેતા 23 વર્ષીય યુવક અને ગુજરાતી લોકગાયક કિશન કુમાર રતનજીભાઈ સોલંકીનું માર્ગ અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

રોડ પર ઉભેલા ટેન્કરની પાછળ ઘૂસી ગઈ કાર

મળતી માહિતી મુજબ, કેશોદના ગંગનાથ પરા વિસ્તારમાં રહેતા 23 વર્ષીય કિશન કુમાર પોતાના કામકાજ અર્થે કાર લઈને કેશોદથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક પંપની બરાબર સામે રોડની વચ્ચે એક ટેન્કર બંધ હાલતમાં ઊભું હતું. પૂરઝડપે આવી રહેલી કિશનની કાર બંધ પડેલા ટેન્કરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી.

ઘટનાસ્થળે જ થયું યુવકનું કમકમાટીભર્યું મોત

કાર અને ટેન્કર વચ્ચે થયેલી આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ટેન્કરની નીચે ઘૂસી ગયો અને કારનો બુકડો બોલી ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં કિશનને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. યુવકનું ગળું કપાઈ જવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કારના પતરા ખરાબ રીતે વળી ગયા હોવાથી મૃતદેહ અંદર ફસાઈ ગયો હતો. પોલીસ અને સ્થાનિક લોકોએ અંદાજે દોઢ કલાક સુધી ભારે જહેમત ઉઠાવી, કારના પતરા તોડીને કિશનના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કેશોદના સોલંકી પરિવારનો પુત્ર, ગાયકીનો શોખ

મૃતક કિશન કુમાર ગુજરાતી ગાયક હતો અને હાર્મોનિયમ પણ વગાડતો હતો. સંગીત ક્ષેત્રે કામકાજ અર્થે અમદાવાદ જતો હતો. પરિવારમાં તે ચાર બહેનો વચ્ચે એકનો એક અને સૌથી નાનો ભાઈ હતો. આશાસ્પદ યુવાનના અકાળે અવસાનથી ચાર બહેનોએ પોતાનો વ્હાલસોયો ભાઈ ગુમાવ્યો છે, જેને પગલે સોલંકી પરિવાર અને કેશોદ પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.