જેતપુરમાં વ્યાજખોરોનો ત્રાસ! ₹2 લાખની લોન સામે ₹24.30 લાખ વ્યાજ વસૂલ્યું; ખેડૂતનો પ્લોટ પણ પડાવી લીધો

બળજબરીપૂર્વક વ્યાજ વસૂલવા અને પ્લોટ પડાવી લેવાના આ મામલે પોલીસ કુલ 6 આરોપી સામે ગુનો નોંધ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 21 Nov 2026 07:34 PM (IST)Updated: Sat, 21 Nov 2026 07:34 PM (IST)
jetpur-moneylenders-harassment-farmer-pays-24-lakh-interest-loses-plot

Rajkot News: જેતપુરમાં ગેરકાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરતા માથાભારે તત્વોનો ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે. ખેતીકામ માટે નાણાંની જરૂરિયાત ઉભી થતા વ્યાજના ચક્રમાં ફસાયેલા 56 વર્ષીય ખેડૂત પાસેથી ₹9 લાખની મુદ્દલ સામે ₹24.30 લાખ વ્યાજ વસૂલી, જાનથી મારી નાખવાની ધમકી આપી પ્લોટનો દસ્તાવેજ તથા સાટાખત બળજબરીથી કરાવી લેવાના મામલે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

ખેતીકામ માટે ₹2 લાખ કરજ લેવું મોંઘુ પડ્યું

જેતપુરના ટાકુડીપરા વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા 56 વર્ષીય જમનભાઈ નંદાણીયા દ્વારા જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, આશરે ચાર વર્ષ પહેલા તેમને ખેતીકામ માટે ₹2 લાખની જરૂર હતી. આથી તેમણે પોતાના ઓળખીતા આશિષભાઈ ઉર્ફે ભુરાભાઈ ખાંટ મારફતે રબારીકા ગામના અશોકભાઈ લાલુનો સંપર્ક કર્યો હતો. અશોકભાઈએ માસિક 30 ટકાના અસહ્ય ઊંચા વ્યાજ દરે ₹2 લાખ આપ્યા હતા.

30 ટકા લેખે ₹21.60 લાખ વ્યાજ ચૂકવ્યું

જમનભાઈએ ત્રણ વર્ષ સુધી દર મહિને ₹60,000 લેખે કુલ ₹21,60,000 વ્યાજ ચૂકવ્યું હોવા છતાં, આરોપીએ પેનલ્ટીના નામે વધુ ₹12,50,000 માટે પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. વધુમાં, ધમકી આપી જમીન પચાવી પાડી અને કોરા ચેક પડાવ્યા પૈસા ન ચૂકવી શકવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

કિંમતી પ્લોટ પર કબજો કરી દસ્તાવેજ કર્યો

આરોપી અશોકે ગત 21 એપ્રિલ, 2026 ના રોજ પોતાના બે સાગરીતો દિલીપભાઈ જગુભાઈ ખાખડીયા અને ભુપતભાઈ માણસુરભાઈ ગુલીયાના નામે જમનભાઈની સામાકાંઠા વિસ્તારમાં આવેલી બિનખેતી થયેલ ઔદ્યોગિક હેતુની જમીનના પ્લોટ નં. 2 (1618.65 ચોરસ વાર) બળજબરીપૂર્વક દસ્તાવેજ/સાટાખત કરાવી લીધો હતો. આ ઉપરાંત, બેંકમાંથી ચેક દ્વારા ઉપાડેલ ₹4.40 લાખ પણ આરોપીઓએ પડાવી અને સહી કરેલા બે કોરા ચેક લઈ લીધા હતા.

વ્યાજ ચૂકવવા લીધું કરજ, વિષચક્રમાં ફસાયા

અશોકભાઈનું વ્યાજ ચૂકવવા માટે જમનભાઈએ અન્ય વ્યાજખોરો પાસેથી નાણાં લેવાની ફરજ પડી હતી. તેમની પાસેથી માસિક 6% વ્યાજે ₹5 લાખ લીધા હતા. આરોપીએ સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે ધમકી આપી પ્લોટ નં. 1/3 (997.91 ચો.વાર) બળજબરીથી સાટાખત કરાવી લીધો હતો. ₹1.50 લાખ વ્યાજ ચૂકવવા છતાં હજુ ₹1.50 લાખ વ્યાજ અને મુદ્દલની ઉઘરાણી કરી ધમકીઓ આપવામાં આવી હતી.

અગાઉના વ્યાજ ભરવા માટે તેમની પાસેથી માસિક 30% વ્યાજે ₹50,000 લીધા હતા. આ કરજ સામે ₹60,000 વ્યાજ ચૂકવ્યા બાદ પણ બાકી નીકળતા ₹30,000 માટે નવરાત્રી દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી આપી સહી કરેલા બે કોરા ચેક પડાવી લીધા હતા.

અશોકભાઈના કહેવાથી તેમના મિત્ર દેવકુભાઈ પાસેથી 30% માસિક વ્યાજે ₹2 લાખ લીધા હતા. એક મહિનાનું ₹60,000 વ્યાજ ચૂકવ્યા બાદ બાકીના બે મહિનાના ₹1.20 લાખ વ્યાજ અને મુદ્દલ માટે ફોન પર સતત ધમકીઓ આપવામાં આવતી હતી.

ચાર વ્યાજખોરો સામે પોલીસે ગુનો નોંધ્યો

આમ ચારેય વ્યાજખોરોએ મળી કુલ ₹9.50 લાખની મુદ્દલ સામે ₹24.30 લાખ જેટલી માતબર રકમ વ્યાજ પેટે વસૂલી લીધી હોવા છતાં વધુ ₹15.50 લાખની ઉઘરાણી કરી જમીન પચાવી પાડી હતી. જેતપુર સિટી પોલીસે આ મામલે અશોકભાઈ લાલુ, દિલીપ ખાખડીયા, ભુપતભાઈ ગુલીયા, ભરતભાઈ ઉર્ફે ભકુભાઈ વાંક, આશિષભાઈ ઉર્ફે ભુરાભાઈ ખાંટ અને દેવકુભાઈ કાઠી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ PSI આર.બી. બલદાણીયા ચલાવી રહ્યા છે.