Anand Bapa 49th Tithi Mahotsav: જેતપુર તાલુકાના ભેડાપીપળીયા ગામે સમસ્ત જોટંગીયા પરિવાર દ્વારા કુળના રક્ષક સુરાપુરા આણંદ બાપાનો 49મો તિથિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ અવસરે મધરાતે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. જેમાં ગાયક કલાકારો પર સોનાની પ્રતીકાત્મક નોટોનો વરસાદ થયો હતો.
આણંદ બાપાનો 49 મો તિથિ મહોત્સવ
જેતપુર તાલુકાના ભેડાપીપળીયા ગામે સમસ્ત જોટંગીયા પરિવાર દ્વારા કુળના રક્ષક સુરાપુરા આણંદ બાપાનો 49મો તિથિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેતપુર તાલુકાના ભેડાપીપળીયા ગામ આધ્યાત્મિક વાતાવરણ ભક્તિ અને ઉજવણીથી જીવંત બન્યું. હજારો ભક્તો તેમના આદરણીય કુળના રક્ષક, સુરાપુરા આનંદ બાપાનું સન્માન કરવા માટે એકઠા થયા હતા.
સંગીત, શ્રદ્ધા અને સમર્પણનો સંગમ
આ મહોત્સવના ભાગરૂપે રાત્રિના સમયે એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર ઉમેશ બારોટ, રાજદાન ગઢવી અને પૂનમ ગઢવીએ સૂર-સરવાણી રેલાવી હતી. આ કલાકારોએ કરેલી રાષ્ટ્રીય શૌર્યગાથાઓ અને ભજનોની જમાવટથી શ્રોતાઓ ભક્તિમાં મંત્રમુગ્ધ થયા હતા.
કલાકારો પર સોનાની નોટોનો વરસાદ
આ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર ત્યારે સર્જાયું જ્યારે જોટંગીયા પરિવારના પ્રમુખ સંજયભાઈ જોટંગીયા દ્વારા કલાકારોના ભજનો અને ગીતો પર સોનાની પ્રતીકાત્મક (સોનાના વરખવાળી) નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. પરંપરાગત ‘ઘોળ’ની આ અનોખી અને વૈભવી રીત જોઈને ડાયરામાં ઉપસ્થિત મેદની આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
આ પણ વાંચો: Surat: સુરત રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેને ચડવા જતા મુસાફરો પ્લેટફોર્મ વચ્ચે ફસાયા, પોલીસ બની દેવદૂત
નવી પેઢીને વારસા સાથે જોડવાનો પ્રયાસ
આ દિવ્ય મહોત્સવ અંગે પરિવારના વડીલોએ જણાવ્યું હતું કે, “અમારા સુરાપુરા આણંદ બાપા પ્રત્યે સમગ્ર પરિવારની અતૂટ અને અટલ શ્રદ્ધા છે”. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, “આ 49 માં તિથિ મહોત્સવના માધ્યમથી અમે નવી પેઢીને પૂર્વજોના સંસ્કાર, ગૌરવશાળી વારસો અને પરંપરા સાથે જોડવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે”.
હજારો શ્રદ્ધાળુઓએ લીધો મહાપ્રસાદનો લાભ
આ દિવ્ય મહોત્સવમાં માત્ર ભેડાપીપળીયા જ નહીં, પરંતુ આસપાસના સીમાડાઓ અને દૂર-સુદૂરથી જોટંગીયા પરિવારના સભ્યો તેમજ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર ગામ ભક્તિના ગુલાલથી રંગાઈ ગયું હતું. મહોત્સવની પૂર્ણાહુતિના ભાગરૂપે ભવ્ય સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌ ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
