જાગરણ સ્પેશિયલ: ચેતનાબેન રાદડિયાએ જાહેર મંચ પર PM મોદીને કાનમાં શું કહ્યું? જુઓ VIDEO

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 11 Oct 2022 04:52 PM (IST)Updated: Tue, 11 Oct 2022 06:05 PM (IST)
jagran-special-pm-modi-talk-with-chetna-radadiya-at-jam-kandorna-rally

નરેન્દ્ર આહિર, રાજકોટ.
ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત કરી શકે છે. જો કે વિધાનસભા ચૂંટણી પૂર્વે તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના 3 દિવસના ગુજરાત પ્રવાસ પર છે. આજે PM મોદી જામકંડોરાણા પહોંચ્યા હતા. જ્યાં સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવંગત નેતા વિઠ્ઠલ રાદડિયાના પત્ની ચેતનાબેનના કાનમાં કંઈક કહેતા જોવા મળ્યા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જામકંડોરણા પહોંચેલા PM મોદીનું સ્થાનિક ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને તેમના માતા ચેતનાબેન રાદડિયાએ સમ્માન કર્યું હતુ. આ તકે જયેશ રાદયિાએ પુષ્પગુચ્છ અને ચેતનાબેન રાદડિયાએ શ્રીકૃષ્ણ ભગવાનની તસવીર વડાપ્રધાન મોદીને અર્પણ કરી હતી.

આ સમયે વડાપ્રધાન મોદીએ સ્ટેજ ઉપર જ ચેતનાબેન રાદડિયા સાથે થોડી સેકન્ડ ચર્ચા કરી હતી. જેમાં તેઓ 3-4 વખત જયેશ રાદડિયા તરફ હાથ લંબાવ્યો હતો. વડાપ્રધાને ચેતનાબેનને કહ્યું કે, તમારી તબિયત સાચવજો. જયેશની જવાબદારી મારી છે.

જામકંડોરણામાં લાખોની જનમેદની વચ્ચે સ્ટેજ ઉપર ચેતનાબેન રાદડિયા સાથે વડાપ્રધાન મોદીએ કરેલી વાતચીતની રાજકીય મોરચે ચર્ચા જાગી છે.

એક સમયે જયેશ રાદડિયાને ફરીથી જેતપુર-જામકંડોરણા બેઠક પરથી ટિકિટ મળશે કે કેમ? તે પ્રશ્ન ચર્ચાતો હતો. જો કે PM મોદીએ સામે ચાલીને જાહેરસભા માટે જામકંડોરણાની પસંદગી કરી, તે સૂચક માનવામાં એવે છે.

આ સિવાય જયેશ રાદડિયાએ પોતાના પિતા સ્વ. વિઠ્ઠલ રાદડિયાની માફક શક્તિ પ્રદર્શન કરીને જંગી જનમેદની એકઠી કરી દેતા ભાજપની એક લૉબી રીતસરની ડઘાઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, જામ કંડોરણામાં વડાપ્રધાન મોદીની જાહેરસભા યોજવાનું નક્કી થયું, ત્યારથી જ ભાજપનું એક જૂથ અંદરખાને નારાજ જણાતું હતું. જો કે આજની જાહેરસભા બાદ વધુ એક વખત જામકંડોરણા વિસ્તારમાં રાદડિયાનો ગઢ અકબંધ હોવાનું અને લોકોમાં પણ તેમની ચાહના યથાવત હોવાનું પુરવાર થયું હતું.