Holi 2026: બજારમાં નવા પ્રકારની પિચકારીઓ બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બની, જાણો કલર અને પિચકારીના ભાવમાં કેટલો વધારો નોંધાયો

દર વર્ષની જેમ આ વખતે પણ મોંઘવારીની અસર જોવા મળી રહી છે. ટ્રાન્સપોર્ટેશન અને કાચા માલના ભાવ વધતા પિચકારી અને કલરના ભાવમાં આશરે 10% જેટલો વધારો નોંધાયો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 01 Mar 2026 12:22 PM (IST)Updated: Sun, 01 Mar 2026 12:32 PM (IST)
holi-dhuleti-2026-10-percent-increase-in-prices-this-year-demand-for-herbal-colors-with-fruit-aroma-cartoon-themed-injections-among-children

Holi-Dhuleti 2026: સૌરાષ્ટ્રના હૃદય સમાન રાજકોટમાં હોળી-ધૂળેટીના તહેવારને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના ઐતિહાસિક સદર બજારમાં પિચકારી, હર્બલ કલર અને બલૂન્સની ખરીદી માટે ગ્રાહકોની ભારે ભીડ ઉમટી પડી છે. આ વર્ષે બજારમાં પરંપરાગત પિચકારીઓ સાથે અત્યાધુનિક ગેજેટ્સ અને કાર્ટૂન કેરેક્ટર્સની બોલબાલા જોવા મળી રહી છે.

naidunia_image

ઈલેક્ટ્રિક પિચકારી અને ગુલાલ સિલિન્ડરનું નવું આકર્ષણ

આ વર્ષે ધૂળેટીમાં ટેકનોલોજીનો તડકો જોવા મળી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, આ વખતે ઇલેક્ટ્રિક પિચકારી અને ગુલાલ સિલિન્ડર ધૂમ મચાવી રહ્યા છે. ગુલાલ સિલિન્ડર દ્વારા હવામાં રંગોની છોળો ઉડાડવી યુવાનોમાં લોકપ્રિય બની છે. આ ઉપરાંત છત્રી, ફરસી, તલવાર, ભાલા, ગદા અને હથોડી જેવી આકારની પિચકારીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.

naidunia_image

બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર્સની ધૂમ

નાના બાળકોમાં પિચકારી પ્રત્યેનો ક્રેઝ હંમેશા વધુ હોય છે. સદર બજારમાં બાળકો માટે ખાસ વેરાયટીઓ ઉપલબ્ધ છે. સ્પાઈડર મેન, મોટું-પતલુ, છોટા ભીમ અને બાર્બી ડોલ થીમ આધારિત પિચકારીઓ. તેમજ ક્રિકેટરના ફોટાવાળી પિચકારી અને 100 થી 200 ફૂવારા એકસાથે ઉડે તેવી ખાસ પિચકારીઓ પણ બજારમાં મળી રહી છે.

naidunia_image

સ્કીન ફ્રેન્ડલી હર્બલ અને ફ્રુટ કલર્સ

રાજકોટના સદર બજારના વેપારી હિતેશ ઓઝાએ જણાવ્યું હતું કે, ગ્રાહકો હવે જાગૃત થયા છે અને કેમિકલ યુક્ત રંગોને બદલે હર્બલ કલરની માંગ કરી રહ્યા છે. આ વર્ષે બજારમાં અલગ-અલગ ફ્લેવર્સના ફ્રુટ કલર આવ્યા છે, જેમાંથી ફળોની સુગંધ આવે છે. આ રંગોથી સ્કીનને કોઈ નુકસાન થતું નથી, તેથી લોકોમાં તેની ભારે ડિમાન્ડ છે.

naidunia_image

ભાવમાં 10 ટકાનો વધારો

દર વર્ષની જેમ આ વખતે પણ મોંઘવારીની અસર જોવા મળી રહી છે. ટ્રાન્સપોર્ટેશન અને કાચા માલના ભાવ વધતા પિચકારી અને કલરના ભાવમાં આશરે 10% જેટલો વધારો નોંધાયો છે. સદર બજારના વેપારી મહેન્દ્રભાઈના જણાવ્યા મુજબ, બજારમાં દરેક બજેટના લોકો માટે વસ્તુઓ ઉપલબ્ધ છે.

બજારના અંદાજિત ભાવ:

વસ્તુ ભાવની શ્રેણી (રૂપિયામાં)
પિચકારી રૂ. ૨૦ થી રૂ. ૪૦૦૦
કલર / ગુલાલ રૂ. ૨૦ થી રૂ. ૫૫૦
ગુલાલ સિલિન્ડર રૂ. ૨૦૦ થી રૂ. ૨૦૦૦

વેપારીઓની આશા

તહેવારના છેલ્લા દિવસોમાં ખરીદીમાં હજુ પણ મોટો ઉછાળો આવે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે. ખાસ કરીને ગદા, ત્રિશૂલ, ગન અને ટેન્ક જેવી પિચકારીઓ યુવાનો અને બાળકોમાં હોટ ફેવરિટ બની રહી છે. રાજકોટવાસીઓ આ વખતે સુરક્ષિત અને હર્બલ રંગોથી ધૂળેટી ઉજવવા માટે સજ્જ જણાય છે.

naidunia_image

રાજકોટનું સદર બજાર અત્યારે કેસરી, ગુલાબી અને લીલા રંગોથી રંગાઈ ચૂક્યું છે. નવીનતમ ઈલેક્ટ્રિક પિચકારીઓ અને સુરક્ષિત હર્બલ ગુલાલ સાથે આ વર્ષની ધૂળેટી રાજકોટવાસીઓ માટે યાદગાર બની રહેશે.