4 દિકરીઓએ પિતા ગુમાવ્યાઃ રાજકોટમાં 20 ટનની ક્રેઇનનું વ્હીલ ફરી વળતા બાઇક સવાર યુવકનું મોત, પરિવારમાં આઘાતમાં

મૃતક આમદભાઈ ડ્રિલિંગ મશીન રિપેરિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં ચાર દીકરીઓ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ચાલકની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 30 Sep 2026 11:06 AM (IST)Updated: Wed, 30 Sep 2026 11:06 AM (IST)
heartbreaking-rajkot-accident-bike-rider-crushed-to-death-by-crane-leaves-behind-4-daughters

Rajkot Accident News: રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા 80 ફૂટ રોડ પર અકસ્માતનો બનાવ બન્યો છે. 20 ટનની ભારેખમ ક્રેઇને એક સ્કૂટરને અડફેટે લીધું હતું. ક્રેઇનનું વ્હીલ માથા પર ફરી વળતા 39 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ બાદ ક્રેઇન ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવકના મોતથી 4 દિકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પરિવારમાં શોક અને આઘાતમાં સરી પડ્યો છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, 39 વર્ષીય આમદભાઈ સુમારભાઈ શેખ વાવડી રોડ પર આવેલા મહમદી બાગ શેરી નંબર-6માં રહે છે. ગઇકાલે બપોરે 12 વાગ્યાની આસપાસ તેઓ સ્કૂટર લઇને મવડી 80 ફૂટ રોડ પરથી પસાર થઇ રહ્યાં હતા. જે દરમિયાન પાછળથી આવતી 20 ટનની ભારેખમ ક્રેઇને તેમને અડફેટે લીધા હતા. ક્રેઇને ટક્કર મારતા સ્કૂટર સવાર તેઓ નીચે પટકાયા હતા અને ક્રેઇનનું વ્હીલ તેમના માથ પરથી ફરી વળ્યું હતું. બનાવમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

અકસ્માત થયો હોવાની જાણ થતાં આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસ અને 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં 108ની ટીમ પહોંચી હતી અને આમદભાઈને મૃત જાહેર કર્યા હતા. ઘટના સ્થળે પહોંચી પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ હતી. જેમાં જોઇ શકાય છેકે ક્રેઇન ચાલકે પાછળથી સ્કૂટરને ટક્કર મારીને અકસ્માત કર્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક આમદભાઈ ડ્રિલિંગ મશીન રિપેરિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં ચાર દીકરીઓ છે. પિતાના અચાનક અવસાનથી ચારેય દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા શેખ પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.હાલ તાલુકા પોલીસે ક્રેઈન ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ચાલકની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.