New format birth certificate: ગુજરાત રાજ્યના નાગરિકો માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. આધારકાર્ડ, પાસપોર્ટ અને આયુષ્માન કાર્ડ જેવી સરકારી યોજનાઓ માટે જન્મ પ્રમાણપત્રને લઈને ચાલી રહેલી મુશ્કેલીઓનો હવે અંત આવી રહ્યો છે. રાજ્યમાં વર્ષ 2020 પછીના બાળકોના આધારકાર્ડ માટે હવે નવા ફોર્મેટનું જન્મ સર્ટિફિકેટ મળશે.
જૂના દાખલા અમાન્ય બન્યા હતા
રાજ્યમાં જન્મ-મરણ વિભાગમાં કેન્દ્ર સરકારના CRS પોર્ટલને ફરજિયાત બનાવવામાં આવતા 2019 પહેલાનો ડેટા સ્થગિત થઈ ગયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા બાળકોના આધારકાર્ડની તમામ પ્રક્રિયામાં નવા ફોર્મેટ મુજબના દાખલાનો નિયમ અમલમાં મુકાયો હતો, જેના કારણે જૂના દાખલા અમાન્ય રહેતા પાસપોર્ટ અને આયુષ્માન કાર્ડના કામો અટવાયા હતા.
જૂનો ડેટા ટ્રાન્સફર ન થતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ખાસ કરીને બાળકોના નવા આધારકાર્ડની કામગીરી અટકી જતા વાલીઓ જૂના દાખલા બદલવા કોર્પોરેશન કચેરીએ લાઈનો લગાવતા હતા.
ઇનહાઉસ પોર્ટલના દાખલા નામંજૂર
રાજકોટ મહાનગરપાલિકા પાસે વર્ષ 1950થી જન્મનો અને વર્ષ 1965 થી મરણનો ડેટા ઉપલબ્ધ છે, તેમ છતાં UIDAI દ્વારા મનપાના ઇનહાઉસ પોર્ટલના દાખલા સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. માત્ર CRS પોર્ટલના જ પ્રમાણપત્ર માન્ય રાખતા નાગરિકોની મુશ્કેલી વધી હતી.
અગાઉ મહાનગરપાલિકામાં આ કામગીરી વોર્ડ વાઈઝ થતી હતી, પરંતુ CRS પોર્ટલમાં આરોગ્ય અધિકારી કે ઓપરેટરોના યુઝર આઈડી તૈયાર ન હોવાથી તમામ નાગરિકોએ દાખલા માટે એક જ કચેરીએ લાઈનમાં ઊભા રહેવું પડતું હતું.
શિક્ષણ-આરોગ્ય સુવિધાઓ પર અસર
આધાર સુધારણા ન થવાને કારણે બાળકોના અભ્યાસ અને સારવાર પર સીધી અસર પડી રહી હતી. જો કોઈ બાળકને આયુષ્માન કાર્ડ કઢાવવું હોય તો પ્રથમ આધારકાર્ડ જરૂરી છે, જેના માટે જૂનું પ્રમાણપત્ર ચાલતું નથી. આ ઉપરાંત ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડમાં કોઈ ભૂલ હોય તો તેને સુધારવા માટે પણ નવા ફોર્મેટનો દાખલો માગવામાં આવે છે.
આ પણ વાંચો: PSI Recruitment: આજે ગુજરાતના 1.10 લાખ ઉમેદવારો PSIની લેખિત પરીક્ષા આપશે, એક દિવસમાં 2 પેપર
2020 પછીના બાળકોના દાખલા મળશે
તંત્ર દ્વારા છેલ્લા 6 માસથી ડેટા ટ્રાન્સફરની કાર્યવાહી કરવામાં આવી રહી હતી, અને હવે બાળકોના નવા ફોર્મેટના દાખલા કાઢવાનું શરૂ કરવામાં આવ્યું છે. હાલની સ્થિતિએ રાજ્ય સરકારના ઈ-પોર્ટલ પર નોંધાયેલ 2019 થી 2025 સુધીના તમામ ડેટા કેન્દ્ર સરકારના CRS પોર્ટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
હવે કોર્પોરેશનના લોકલ પોર્ટલ પરથી પણ CRS પોર્ટલ પર ડેટા ટ્રાન્સફરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, અને 90 ટકાથી વધુ ડેટા ટ્રાન્સફરની કામગીરી પૂર્ણ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. કેન્દ્રના પોર્ટલ પર જૂના ડેટા તબદીલ કરવાની 100% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેથી હવે 2020 પછીના બાળકોના નવા ફોર્મેટ મુજબના દાખલા મળી શકશે.
