Gujarat Rains: ગઇકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ કર્યા બાદ આજે વહેલી સવારથી ફરી મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સવારથી ભારે વરસાદ ખાબક્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલા લાઠ ગામમાં ત્રણ કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ગામ જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ છે. ગામના રસ્તાઓ પરથી નદી વહેતી હોય તેવો માહોલ છે. ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળ્યા છે.
સવારના 10 વાગ્યા સુધીનો રાજકોટ જિલ્લાનો વરસાદ
રાજકોટ જિલ્લામાં સવારના 10 વાગ્યા સુધીમાં સરેરાશ ઉપલેટામાં 2.8 ઇંચ, ધોરાજીમાં 1.4 ઇંચ, જેતપુરમાં 3 મિ.મી. અને જામકંડોરણામાં 2 મિ.મી. વરસાદ નોંધાયો છે.
ભાર વરસાદથી ગામમાં નદી વહેતી હોય તેવા દૃશ્યો
ભારે વરસાદ વરસવાથી અને નદીઓના વહેણ ગામ તરફ વળતા લાઠ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર જાણે કે નદીનો પ્રચંડ પ્રવાહ વહેતો હોય તેવો ભયાવહ નજારો જોવા મળ્યો છે. ગામના ખેતરો પણ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. દુકાનો અને ઘરોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે.
ત્રણ કલાકમાં સાડા બાર ઇંચ ખાબક્યોઃ સરપંચ
લાઠ ગામના સરપંચ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીના ત્રણ કલાકમાં લગભગ બારથી સાડાબાર ઇંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે ગામ અને ગામની આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે પાણી ભરાવાથી વાહન વ્યવહાર પણ બંધ થઇ ગયો છે. લોકો બહાર જઇ શકતા નથી. ગામના વિદ્યાર્થીઓ ભણવા માટે ઉપલેટા ગયા હતા તે ઉપલેટામાં અને માણાવદર ગયા હોય તેમને માણાવદરમાં રોકવામાં આવ્યા છે.
તેમણે વધુંમાં જણાવ્યું હતું કે, શ્રમિક લોકોને પણ વાડી વિસ્તારમાં અને સુરક્ષિત જગ્યાએ રહેવા માટે તથા ક્યાંય પણ અવર જવર ન કરવા માટે જણાવી દીધું છું. ગામના બસસ્ટેન્ડ ચોકમાં આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. ઘરોમાં પણ પાણી ભરાવા લાગ્યા છે. મોજ, વેણું અને પાદર નદીના પાણી આ ગામમાં આવતા ગામ બેટમાં ફેરવાયું છે. જો હજુ પણ વધુ વરસાદ પડશે તો અમારી સ્થિતિ કફોડી બની શકે તેમ છે.
ઉપલેટાના તલંગાણામાં પણ પૂર આવ્યું
લાઠ ગામની જેમ ઉપલેટાના તલંગાણામાં પણ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મૂશળધાર વરસાદના કારણે તલંગાણામાં પૂર જેવી સ્થિતિ છે. ઘરોમાં પાણી ઘૂસવા લાગતા લોકોની હાલત કફોડી છે.
