Gram Haat Gujarat: રાજ્યની બહેનોને 'નવરાત્રિની ભેટ' આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 27 જિલ્લામાં બસ સ્ટેશનો પર સખીમંડળ સંચાલિત 136 જેટલા ગ્રામહાટનું રાજકોટથી ઈ-લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે મહિલાલક્ષી વિવિધ પહેલો સાથે ત્રિ-દિવસીય ‘સરસ મેળા’નો શુભારંભ કરાવ્યો હતો. 'ગૃહ નારી'ને 'લક્ષ્મી સ્વરૂપા' બનાવતી આ પહેલોની જાહેરાતને રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સભામાં ઉપસ્થિત હજારો બહેનોએ હર્ષભેર વધાવી લીધી હતી.
ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું કે, મહિલાઓને વિકાસયાત્રામાં માત્ર લાભાર્થી નહીં, પરંતુ ડેવલપમેન્ટ પાર્ટનર બનાવવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નિર્ધાર છે. આ તકે મુખ્યમંત્રીએ સૌને આવતીકાલથી શરૂ થઈ રહેલી નવરાત્રિ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
મહિલાઓને આર્થિક પગભર બનાવવાના ભાગરૂપે આજે અનેક નવી પહેલો શરૂ કરવા બદલ તેમણે મંત્રીશ્રી અને વિભાગને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, રાજ્યના 136 બસ સ્ટેશનોમાં સખીમંડળ સંચાલિત ગ્રામહાટના શુભારંભ સાથે અહીં 13 MoU થયા છે. બસ સ્ટેશનો અને રેલવે સ્ટેશન પર સ્વસહાય જૂથની બહેનોના ઉત્પાદનના વેચાણ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેનાથી ગ્રામીણ માતા-બહેનોના હસ્તકલા ઉત્પાદનો અને ગૃહ ઉદ્યોગની ખાદ્ય સામગ્રીઓને વિશાળ બજાર મળશે અને વોકલ ફોર લોકલ મંત્ર સાર્થક થશે.
રાજ્યના 18 હજાર ગામડાઓમાં મહિલા સંચાલિત મિલ્ક પાર્લરો શરૂ થશે
મહિલાઓને સફળ ડિજિટલ ઉદ્યોગ સાહસિક બનાવવા NIFT, માઈકા, DWII જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા મેન્ટરશિપ અને માર્ગદર્શન પૂરું પાડવા વિશેષ પહેલ શરૂ કરાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ સાથે કહ્યું હતું કે, અમૂલ દ્વારા રાજ્યમાં 18 હજાર ગામોમાં મહિલા સંચાલિત મિલ્ક પાર્લર શરૂ કરવામાં આવશે. આ માટે આજે GLPC અને અમૂલ વચ્ચે MoU થયા છે. મુખ્યમંત્રીએ આજના પ્રસંગને શક્તિ ઉપાસનાના પર્વ પહેલા નારીશક્તિને સમૃદ્ધ કરવાની ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાનો અવસર ગણાવ્યો હતો.
વડાપ્રધાનના ‘વુમન લેડ ડેવલપમેન્ટ’ના મિશનનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યભરમાં અઢી લાખ જેટલા સખીમંડળોની 30 લાખ ગ્રામીણ બહેનો પોતાના કૌશલ્યથી માતબર આર્થિક આવક મેળવતી થઈ છે.
મહિલાઓની આર્થિક ઉન્નતિ માટે નાણાંની પૂરતી વ્યવસ્થા હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે આ ક્ષેત્રે ગયા વર્ષે રૂ. 800 કરોડની સહાય આપી છે અને આવનારા વર્ષોમાં અનેકગણી વધુ સહાય આપવા સરકારની તૈયારી છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.5 લાખથી વધુ બહેનો લખપતિ દીદી બની
તેમણે કહ્યું હતું કે, વર્ષ 2029 સુધીમાં દેશમાં 6 કરોડ લખપતિ દીદી બનાવવાની વડાપ્રધાનની નેમ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.5 લાખથી વધુ બહેનો લખપતિ દીદી બની ચૂકી છે. આજે શરૂ થયેલી પહેલો ગ્રામીણ ગુજરાતની આવનાર સમયની સમૃદ્ધિનો પાયો બનશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ આ તકે વ્યક્ત કર્યો હતો.
પ્રધાન સેવક તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ માતા-બહેનોના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને દેશભરની નારી શક્તિનું ગૌરવ વધાર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. PM મોદીના જનસેવા-રાષ્ટ્રસેવાના 25 વર્ષ તેમજ ગુજરાતમાં નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શરૂ કરાવેલા મહિલા અને બાળવિકાસ વિભાગ, નારી ગૌરવ નીતિ વગેરેનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.
આ અવસરે રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં નરેન્દ્ર મોદી દ્વારા લાઈવલીહુડ પ્રમોશન કંપનીની સ્થાપના કરવામાં આવી હતી, જેના પરિણામે સખી મંડળોની રચના થઈ અને મહિલાઓના જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યો છે.
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રે અદભુત ક્રાંતિ આવી છે. રાજ્યભરમાં કાર્યરત અંદાજે 03 લાખથી વધુ સખી મંડળો થકી મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર અને સશક્ત બની રહી છે. આજે કાર્યક્રમમાં થયેલા વિવિધ એમ.ઓ.યુ.નો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, સહકાર અને પશુપાલન વિભાગના સંકલનથી મહિલાઓની આર્થિક ઉડાનને પાંખો મળશે.
જ્યારે ગ્રામવિકાસ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન અને જનસેવાથી રાષ્ટ્રસેવાના 25 વર્ષ દરમિયાન અનેક ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બની છે. ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણની દિશામાં ‘મિશન મંગલમ’ અભિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
ગ્રામીણ મહિલાઓ માત્ર ઘર સંભાળવા પૂરતી સીમિત નથી રહી, પરંતુ પોતાની કલા અને કૌશલ્ય થકી રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી રહી છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રાજ્યભરમાં યોજાયેલા 236 જેટલા સરસ મેળામાં 8500 જેટલા સ્વસહાય જૂથોએ અંદાજે રૂ. 40 કરોડ જેટલું વેચાણ કર્યું છે. આ મેળાના માધ્યમથી બહેનોની હસ્તકલા અને ઉત્પાદનોને બજાર પૂરું પાડવામાં આવે છે, જેથી તેઓ આર્થિક રીતે મજબૂત બની શકે.
મુખ્યમંત્રીએ રાજકોટ પધાર્યા બાદ પહેલા રેસકોર્સ ખાતે આયોજિત ત્રિદિવસીય સરસ મેળાનો પ્રારંભ કરાવ્યો તેમજ સ્વ સહાય જૂથની બહેનો સાથે સંવાદ કર્યો હતો. જેમાં બહેનોએ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું તેમજ કલા કારીગરીના નિદર્શન અને રોજગારી માટે સરસ મેળાનો "સરસ મંચ" આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સંવાદમાં બહેનોએ કહ્યું હતું કે, અહીં અમારે સ્ટોલનું કોઈ ભાડું નથી આપવું પડતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી બહેનોને આ સ્ટોલ વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે.
સ્વ સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ઉત્પાદનોના માર્કેટિંગ અને વેચાણ માટે જગ્યા અને બજાર મળે તે હેતુથી GLPC દ્વારા રેલવે, GSRTC, રાજ્યના પશુપાલન અને સહકાર વિભાગ, અમૂલ, માઇકા, EDII, NIFT, સરદાર પટેલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી તેમજ SBI, PNB, ICICI, BOB, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે મળીને 13 સમજૂતિ કરાર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વિવિધ સ્વસહાય જૂથને અમૂલ પાર્લર એલોટમેન્ટ લેટર, રૂ. 45 લાખના કેશ ક્રેડિટ ચેક અને ડેરી સાથે સંકળાયેલા સ્વસહાય જૂથને રૂ. 40 લાખના કેશ ક્રેડિટ ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ અન્ય સખી મંડળોને ઈ-કોમર્સ ઇન્સેન્ટિવના કુલ રૂ. 1,08,640ના ચેક એનાયત કરવામાં આવ્યા હતા.
આ સાથે અંત્યોદયના ભાવને સાકાર કરતા વિચરતી વિમુક્ત જાતિના જિલ્લાના 139 પરિવારોને રહેણાંક હેતુ માટે પ્લોટનું વિનામુલ્યે વિતરણ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
