GSRTC Rajkot New Volvo Buses: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. આ કડીમાં ગઇકાલે (તારીખ 09 જૂન) રાજકોટ એસ.ટી. બસ ડેપો ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલી પાંચ નવી અતિ-આધુનિક એસી વોલ્વો (AC Volvo) બસોનું 'ફ્લેગ ઓફ' કરીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમંત્રિત મહાનુભાવોએ ઉપસ્થિત રહીને બસોને રવાના કરી હતી અને તમામ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ આ વોલ્વો બસો જોઈને ઉપસ્થિત સૌ કોઈએ આનંદ અને ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.
હર્ષ સંઘવીના નેતૃત્વમાં પરિવહન ક્ષેત્રે ધરખમ ફેરફારો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જ્યારેથી ગૃહ રાજ્યમંત્રી અને યુવા, જોશીલા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને આ ખાતાની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારથી એસ.ટી. નિગમમાં ધરખમ અને સકારાત્મક ફેરફારો જોવા મળી રહ્યા છે. ખાનગી ટ્રાવેલ્સ કરતાં પણ સસ્તા દરે અને તેનાથી અનેકગણી વધુ આધુનિક સુવિધાઓ સાથેની બસો આજે સામાન્ય જનતાને મળી રહી છે. GSRTC એ રાજ્યનું એકમાત્ર એવું સક્ષમ નિગમ છે જે ગુજરાતના છેવાડાના અને અંતરિયાળ ગામડાઓ સુધી સતત સેવાની જ્યોત પ્રજ્વલિત રાખે છે.
નવી વોલ્વો બસોના રૂટની વિગત
મુસાફરોની આરામદાયક અને ઝડપી મુસાફરીની વધતી જતી માંગને પહોંચી વળવા માટે આ પાંચ નવી વોલ્વો બસોને નીચે મુજબના મહત્વના રૂટો પર દોડાવવામાં આવશે:
- રાજકોટથી ભુજ રૂટ: આ મહત્વના રૂટ પર મુસાફરોના ઘસારાને ધ્યાને રાખીને 3 વોલ્વો બસો ફાળવવામાં આવી છે.
- રાજકોટથી વડોદરા રૂટ: સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતા આ રૂટ પર 2 વોલ્વો બસો દોડાવવામાં આવશે.
આગામી સમયમાં વધુ 6 નવી એસી બસો આવશે
અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, ટૂંક સમયમાં જ રાજકોટ ડેપોને વધુ ૬ નવી એસી બસો મળવાની છે. જે નીચે મુજબના પ્રવાસન અને ઔદ્યોગિક કેન્દ્રોને જોડતા રૂટ પર દોડશે:
- 1) સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર)
- 2) મોરબી
- 3) જામનગર
- 4) દાહોદ
| રૂટ | ઉપડવાનો સમય (રાજકોટથી) | પહોંચવાનો સમય | ભાડું (પ્રતિ વ્યક્તિ) |
| રાજકોટ - વડોદરા | સવારે 08:00 | બપોરે 02:00 | ₹ 803/- |
| રાજકોટ - વડોદરા | સવારે 11:00 | સાંજે 05:00 | ₹ 803/- |
| રાજકોટ - ભુજ | સવારે 06:15 | સવારે 11:45 | ₹ 715/- |
| રાજકોટ - ભુજ | સવારે 11:30 | સાંજે 05:00 | ₹ 715/- |
| રાજકોટ - ભુજ | સાંજે 04:00 | રાત્રે 09:30 | ₹ 715/- |
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો
આ ગરિમાપૂર્ણ 'ફ્લેગ ઓફ' કાર્યક્રમ પ્રસંગે રાજકોટ એસ.ટી. નિગમના વિભાગીય નિયામક (DC) શ્રી મનીષ રાજ, વોલ્વો ડેપો મેનેજર શ્રી એન. વી. ઠુંમર, તેમજ રાજકોટ GSRTC ડેપોના અન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓ અને કર્મચારી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
અંતમાં, ઉપસ્થિત આગેવાનોએ જનતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે, એસ.ટી. એ આપણી પોતાની સરકારી મિલકત છે. ખાનગી બસોના મોંઘા ભાડાના બદલે સસ્તી, સુરક્ષિત અને વધુ સુવિધા આપતી આપણી આ સરકારી સેવાનો વધુમાં વધુ લાભ લઈ GSRTCને વધુ સક્ષમ અને બહેતર બનાવવામાં સહભાગી બનીએ.
