મગફળીનું વિક્રમી વાવેતર છતાં સિંગતેલમાં ભડકો: ડબ્બાનો ભાવ રુ. 3,000ને પાર, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 12 Sep 2026 09:48 AM (IST)Updated: Sat, 12 Sep 2026 09:48 AM (IST)
groundnut-record-sowing-yet-groundnut-oil-price-crosses-3000-rajkot-oil-market-gujarat

Groundnut Oil Price: ગુજરાત રાજ્યમાં ગયા વર્ષે મગફળીના પાકના ઉત્પાદનમાં વિક્રમજનક રીતે 60 લાખને પાર થયું છે. તેની સામે આ વર્ષે મગફળીનું વાવેતર સામાન્ય કરતા વધારે થઈ ગયું છે. તેમ છતાં સાતમ આઠમના તહેવારો પૂરા થતાં સિંગતેલના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. રાજકોટ તેલ માર્કેટની વાત કરીએ તો, સિંગતેલના ડબ્બાના ભાવ રુ.2940-2990 જેટલા છે. પરંતુ આમાં રુ.30નો વધારો ઝીંકી દેતાં ભાવ રુ. 2970થી 3020 સુધી પહોંચી ગયા છે.

સિંગતેલના ડબ્બામાં ભાવ વધારો

ગયા વર્ષની વાત કરીએ તો, મગફળીના પાકના ઉત્પાદનમાં આશરે 52 લાખ ટન હતો. તેમ છતાં સિંગતેલનો ડબ્બો રુ.2400થી 2500માં મળતો હતો. જેના લીધે મધ્યમ વર્ગને રાહત હતી. પરંતુ આ વર્ષે પહેલેથી જ સિંગતેલના ડબ્બાના ભાવમાં રુ.500થી 600નો ભાવ વધારો ઝીંકાયો છે. જેના લીધે સામાન્ય વર્ગનું બજેટ ખોરવાય ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. જન્માષ્ટમી તહેવાર પૂર્વે ભાવ કૃત્રિમ રીતે દેખાડવા આંશિક ઘટાડો કરીને રુ.2900થી 2950 કરી દેવામાં આવ્યા હતા. આ ભાવમાં ગત ચાર દિવસમાં જ રુ. 70નો વધારો ઝીંકાયો છે.

ગુજરાતમાં આ વર્ષે 8 ટકા વાવેતર

ગુજરાતમાં મગફળીનું સામાન્ય રીતે વાવેતર 19.15 લાખ હેક્ટર થતું હોય છે. પરંતું આ વર્ષની સરખામણીએ 8 ટકા વધારે એટલે કે, 20.68 લાખ હેકટર વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે ભારત દેશમાં મગફળીનું 46.79 લાખ હેક્ટર સામે આ વર્ષે આજ સુધીમાં 50.45 લાખ હેકટર થયું છે. ગયા વર્ષમાં મગફળીની સપ્લાય હાલ બજારમાં ચાલુ છે. પરંતુ નવરાત્રિ પછી નવો મોલ આવી રહ્યો હોય.

સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાયું

શોર્ટ સપ્લાયનું બહાનું ધરીને મગફળીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પરંતુ વાસ્તવિક કારણ એ છે કે, શોર્ટ સપ્લાય પાછળ વહીવટની ખામી છે. એકાએક મગફળી તેલના ડબ્બામાં વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગને આર્થિક માર વેઠવો પડ્યો છે. બજારમાં એકાએક મગફળીના તેલના ડબ્બાનો ભાવ વધી જતાં તેનો બોજો નાગરિકના ખિસ્સા પર પડ્યો છે.