Gondal APMC Kaldha Controversy: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પાસેથી થતી કથિત ગેરકાયદે કપાત (કળદા) મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) અને APMC ના સત્તાધીશો આમને સામને આવી ગયા છે. ગોંડલ માર્કેટયાર્ડની આગામી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ ખેડૂતોને આર્થિક ફટકો પડતો હોવાનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો, જ્યારે યાર્ડના હોદ્દેદારે AAP ને 'વરસાદી જીવડા' ગણાવી ચૂંટણી લડવા પડકાર ફેંક્યો છે.
આમ આદમી પાર્ટીના મહિલા આગેવાન જિગીષા પટેલએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ખેડૂતો જ્યારે મરચા વેચવા આવે ત્યારે રૂ. 60 થી 120 નો ખર્ચ કરી કંતાન (કોથળો) લાવે છે. પરંતુ વેપારીઓ વજનમાંથી 500 ગ્રામનો કળદો કાપી લે છે અને કંતાન પણ લઈ જાય છે. આ ઉપરાંત, કપાસમાં પણ પ્રતિ ગાંસડી રૂ. 10 થી 20 ની અયોગ્ય કપાત કરવામાં આવે છે.
આ પણ વાંચો
APMC એક્ટ, 1963ની કલમ 35 મુજબ આવી કપાત ગેરકાયદેસર છે. તેમણે આક્ષેપ કર્યો કે સત્તાધીશોને રજૂઆત કરવા છતાં ગોળ-ગોળ જવાબ અપાય છે. અવાજ ઉઠાવનાર ખેડૂતોને ઓફિસમાં લઈ જઈ ધમકાવવામાં આવે છે. અમરેલી યાર્ડમાં આવો કોઈ કળદો કપાતો નથી તો ગોંડલ, રાજકોટ, જેતપુર અને હાપા યાર્ડમાં ખેડૂતોને શા માટે લૂંટવામાં આવે છે? તેવો સવાલ ઉઠાવી આ પ્રથા બંધ કરવા ઉગ્ર માંગ કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીના હોબાળા સામે ગોંડલ APMC ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે, "ચૂંટણી નજીક આવતા જેમ વરસાદમાં પાંખોવાળા જીવડાં બહાર આવે તેમ અમુક લોકો પ્રશ્નો કરવા આવી ગયા છે." તેમણે સ્પષ્ટ કર્યું કે આ સંસ્થા ખેડૂતોની છે, કોઈ રાજકારણનો અડ્ડો નથી. જો વ્યવસ્થા સામે વાંધો હોય તો આગામી ચૂંટણી લોકશાહી ઢબે લડી લેવી. અહીં બેલેટ પેપરથી ચૂંટણી થાય છે, ગત વખતે વિપક્ષને 5% થી ઓછા મત મળ્યા હતા, જ્યારે વર્તમાન પેનલ 95% મતોની બહુમતીથી જીતી હતી.
ગોંડલ માર્કેટયાર્ડની કામગીરી અંગે વાત કરતા હોદ્દેદારે જણાવ્યું કે, ગોંડલ યાર્ડમાં દેશ-વિદેશના વેપારીઓ આવતા હોવાથી ખેડૂતોને પૂરતો ભાવ મળે છે. ખેડૂતો 80 કિલોમીટર દૂરથી ગોંડલ યાર્ડમાં માલ વેચવા આવે છે. કારણ કે, અહીં 20 કિલોએ રૂ. 300 થી 400 વધુ ભાવ મળે છે. આગામી સમયમાં 4 દેશોના પ્રતિનિધિ ગોંડલ યાર્ડની મુલાકાતે આવવાના છે, જેથી ખેડૂતોનો માલ સીધો વિદેશ જશે અને તેમને આર્થિક ફાયદો થશે. યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી, પરંતુ રાજકારણ રમીને હરાજીની વ્યવસ્થા ન ખોરવવા ચીમકી પણ ઉચ્ચારી હતી.
