ગોંડલ APMCમાં નવી જણસીઓ વેચવા ખેડૂતોનો ભારે ઘસારો, પહેલા જ દિવસે મગફળી અને લાલ મરચાની રેકોર્ડબ્રેક આવક

દિવાળી વેકેશન બાદ યાર્ડ ખુલતાની સાથે જ ખેડૂતો પોતાનો માલ લઈને ગોંડલ યાર્ડ ખાતે ઉમટી પડ્યા હતા. યાર્ડમાં મગફળી, ડુંગળી અને લાલ મરચા જેવી વિવિધ જણસીઓની મબલખ આવક નોંધાઈ

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 14 Nov 2026 11:38 AM (IST)Updated: Sat, 14 Nov 2026 11:38 AM (IST)
gondal-apmc-peanut-onion-red-chilli-arrivals-farmers-market-yard

Gondal Market Yard: સૌરાષ્ટ્રના ખેડૂતો અને વેપારીઓ માટે અતિ મહત્વપૂર્ણ અને અગ્રણી એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારો નિમિત્તે જાહેર કરવામાં આવેલી એક સપ્તાહની રજાઓ બાદ આજથી ફરી એકવાર ખરીદ-વેચાણનો વિધિવત્ત પ્રારંભ થયો છે. રજાઓ પૂર્ણ થતાં જ યાર્ડમાં નવી જણસીઓ વેચવા માટે ખેડૂતોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. જેના કારણે સમગ્ર યાર્ડ પરિસર ફરી એકવાર વાહનો અને ખેડૂતોની ચહલપહલથી ધમધમતું બન્યું છે.

પહેલા દિવસે જણસીઓની રેકોર્ડબ્રેક આવક

દિવાળી વેકેશન બાદ યાર્ડ ખુલતાની સાથે જ સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને ગોંડલ યાર્ડ ખાતે ઉમટી પડ્યા હતા. યાર્ડમાં મુખ્યત્વે મગફળી, ડુંગળી અને લાલ મરચા સહિતની વિવિધ જણસીઓની મબલખ આવક નોંધાઈ છે. યાર્ડમાં મોટી સંખ્યમાં જણસી ભરેલા વાહનોની કતારો લાગતાં એપીએમસી તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવાઈ છે.

યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ શું કહ્યું?

આ અંગે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, દિવાળીની રજાઓ બાદ યાર્ડમાં ખેડૂતોનો ઉત્સાહભેર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. યાર્ડમાં અંદાજે 1 લાખ ગુણી મગફળી, 25 હજાર કટ્ટા ડુંગળી અને મરચાની 15 હજાર ભારી સહિત વિવિધ ખેત જણસીઓની નોંધપાત્ર આવક થઈ રહી છે

ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ

લાંબી રજાઓ બાદ માર્કેટિંગ યાર્ડ શરૂ થતા જ ખેડૂતોને પોતાની ઉપજનું વેચાણ કરવાની તક મળી છે, તો બીજી તરફ વેપારીઓ પણ મોટી સંખ્યામાં હરાજીમાં ભાગ લઈ રહ્યા છે. મબલખ આવકને પગલે આગામી દિવસોમાં પણ ગોંડલ યાર્ડમાં વેપાર-ધંધાની તેજી જળવાઈ રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.