Rajkot News:રાજકોટ નજીક આવેલા ખાંભા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મોડી રાત્રે ચડ્ડી-બનીયાનધારી તસ્કર ટોળકીએ આતંક મચાવ્યો છે. ખાંભા આવેલા પાંચ જેટલા કારખાનાઓને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર ઘટના કારખાનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ભેદ ઉકેલવા ચક્ર ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ, ખાંભા ગામની સીમમાં રીબડા રોડ અડીને આવેલા પ્લોટ નંબર 14 પૈકી 2 માં ’રેડઓન મેટલ’ નામનું કારખાનું આવેલું છે. આ કારખાનું રાજકોટના ક્રીષ્ના પાર્ક પુષ્કરધામ મેઇન રોડ ખાતે રહેતા 26 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર પાર્થ દિનેશભાઈ વરસાણી તથા તેમના ભાગીદારો વિવેકભાઈ ભંડેરી અને શિશીલભાઈ ભંડેરી સંયુક્ત રીતે ચલાવે છે.
14 ઓગસ્ટની રાત્રિના સમયે કારખાનું બંધ કરીને ગયા બાદ, ચડ્ડી-બનીયાનધારી તસ્કરોએ ઓફિસની બારીમાંથી અંદર પ્રવેશ કર્યો હતો. તા. 14 ઓગસ્ટના રોજ રાત્રે આશરે 23:50 વાગ્યાથી લઈને તા. 15 ઓગસ્ટના વહેલી સવારે 00:10 વાગ્યા દરમિયાન ચડ્ડી-બનીયાનધારી ટોળકી અને ચાદર ઓઢેલી હાલતમાં ઓફિસની બારી વાટે અંદર ઘૂસ્યા હતા.
બીજા દિવસે સવારે આશરે 9:30 વાગ્યાના અરસામાં જ્યારે પાર્થભાઈ વરસાણી અને તેમના ભાગીદારો કારખાને પહોંચ્યા ત્યારે ઓફિસની બારી અને કબાટના દરવાજા ખુલ્લા જણાતા તેઓ ચમક્યા હતા. શંકા જતાં તેમણે તુરંત કારખાનાના સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા, જેમાં ચડ્ડી-બનીયાનધારી બે શખ્સો અંદર ઘૂસીને ચોરી કરતા સ્પષ્ટપણે નજરે પડ્યા હતા.તપાસ દરમિયાન કબાટમાંથી એક મોબાઇલ ફોન અને ચાદર ચડ્ડી-બનીયાનધારી ટોળકી ચોરી ગઈ હતી.
આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવતાં જાણવા મળ્યું હતું કે આ ટોળકીએ ખાંભા ગોલ્ડન ગ્રીનની પાછળ આવેલા અન્ય કારખાનાઓને પણ નિશાન બનાવ્યા હતા. મિલનભાઈ લાવડીયાની ’વિધ્યુત પ્રાઇવેટ લિમિટેડ’ નામની કંપનીમાં પણ રાત્રિના આશરે 01:40 વાગ્યાના સુમારે ચાર અજાણ્યા ઇસમોએ ચાદર ઓઢીને દરવાજાનું શટર ઊંચું કરી અંદર પ્રવેશ કર્યો હતો અને ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત આસપાસના અન્ય કારખાનાઓમાં પણ આ ટોળકી ત્રાટકી હોવાની ચર્ચા જાગી છે.
બનાવ અંગે કારખાનાના માલિક પાર્થભાઈ દિનેશભાઈ વરસાણીની ફરિયાદના આધારે લોધિકા પોલીસે ચોરી કરવા બદલ સીસીટીવીમાં દેખાતા ચારેય ચડ્ડી-બનીયાનધારી અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચડ્ડી-બનીયાનધારી ટોળકીના આતંકથી સ્થાનિક ઉદ્યોગકારો અને કારખાનેદારોમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. વેપારીઓએ રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.
