Force 3: ધોરાજીમાં 'ફોર્સ 3'ના શૂટિંગ, બોલીવૂડ સ્ટાર જોન અબ્રાહમે લીધી સિટી પોલીસ સ્ટેશનની મુલાકાત

બોલીવૂડ સ્ટાર જોન અબ્રાહમે પોલીસ સ્ટાફ સાથે તસવીરો પણ ખેંચાવી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 27 Mar 2026 10:01 AM (IST)Updated: Fri, 27 Mar 2026 10:03 AM (IST)
force-3-movie-shooting-in-dhoraji-john-abraham-city-police-station-visit
HIGHLIGHTS
  • ધોરાજીમાં મેગા એક્શન ફિલ્મ 'ફોર્સ 3'નું શૂટિંગ
  • જોન અબ્રાહમે લીધી પોલીસ સ્ટેશનની મુલાકાત 
  • પોલીસ સ્ટાફ સાથે તસવીરો પણ ખેંચાવી હતી

Dhoraji Force 3 Shooting: રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં હાલ બોલીવૂડની આગામી મેગા એક્શન ફિલ્મ 'ફોર્સ 3' નું શૂટિંગ ચાલી રહ્યું છે. ધોરાજીના ઐતિહાસિક અને લોકેશન-ફ્રેન્ડલી વિસ્તારોમાં ચાલી રહેલા આ શૂટિંગ વચ્ચે ફિલ્મના મુખ્ય અભિનેતા અને બોલીવૂડ સુપરસ્ટાર જોન અબ્રાહમ શહેરમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

ધોરાજી પોલીસ સ્ટેશનની મુલાકાતે 'જોન'

'ફોર્સ' ફ્રેન્ચાઇઝીની ત્રીજી કડીના કેટલાક મહત્વપૂર્ણ દ્રશ્યો ધોરાજી અને તેની આસપાસના વિસ્તારોમાં ફિલ્માવવામાં આવી રહ્યા છે. આ વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે જોન અબ્રાહમે અચાનક ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ દરમિયાન જોન અબ્રાહમે સ્થાનિક લોકો સાથે હળવા મૂડમાં વાતચીત પણ કરી હતી.

પોલીસ જવાનોના સહયોગની કરી પ્રશંસા

પ્રાપ્ત વિગતો અનુસાર, ફિલ્મ શૂટિંગ દરમિયાન સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સ્થાનિક પોલીસનો ખૂબ જ મોટો સહયોગ રહ્યો છે. ધોરાજી પોલીસના આ સહયોગને બિરદાવવા અને પોલીસ જવાનોનો ઉત્સાહ વધારવાના હેતુથી એક્શન હીરો જોન અબ્રાહમ જાતે જ સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

પોલીસકર્મીઓ સાથે ખેંચાવી યાદગાર તસવીરો

પોતાના ફેવરિટ એક્શન સ્ટારને અચાનક જ પોલીસ મથકમાં આવેલો જોઈને પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જોન અબ્રાહમે ખૂબ જ સહજતાથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વાતચીત કરી અને તેમની ફરજ નિષ્ઠાના વખાણ કર્યા હતા. આ ખાસ મુલાકાત દરમિયાન બોલીવૂડ અભિનેતાએ પોલીસ સ્ટાફ સાથે યાદગાર તસવીરો પણ ખેંચાવી હતી.