સૌરાષ્ટ્રના ખેડૂતો દુષ્કાળ સામે મજબૂર, 20 દિવસમાં 6000 બળદ સદ્ભાવના બળદ આશ્રમમાં મૂકી ગયા

નિભાવ ખર્ચ અને કેટલ કેમ્પ માટે બળદ આશ્રમના સંચાલકોએ વનતારાના ડિરેક્ટર અનંત અંબાણી પાસે મદદ માંગી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 30 Oct 2026 05:24 PM (IST)Updated: Fri, 30 Oct 2026 05:24 PM (IST)
drought-impact-on-cattle-farmers-sadbhavna-balad-ashram-shelter-6000-bulls-in-20-days-rajkot

Sadbhavna Badad Ashram: સૌરાષ્ટ્રના પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ સહિતના વિસ્તારમાં ઓછા વરસાદ તેમજ પાણી અને ઘાસચારાની ભારે અછત સર્જાતા ખેડૂતો માટે પોતાના પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બની ગયો છે. આવી વિષમ પરિસ્થિતિમાં ખેડૂતો મજબૂરીવશ અશ્રુભીની આંખે રાજકોટના કાલાવડ રોડ પર દેવગામ સ્થિત સદ્ભાવના બળદ આશ્રમમાં પોતાના બળદ સોંપવા આવી રહ્યા છે.

છેલ્લા 20 દિવસમાં જ 6000 થી વધુ બળદનું આગમન થતા સદ્ભાવના બળદ આશ્રમના સંચાલકો માટે દૈનિક વ્યવસ્થાપન અને નિભાવ ખર્ચ પહોંચી વળવો મોટો પડકાર બની ગયો છે. મિતલ ખેતાણીના જણાવ્યા અનુસાર અગાઉ આશ્રમમાં 1500 થી 2000 બળદ આશ્રય લેતા હતા, પરંતુ છેલ્લા 20 દિવસમાં વધુ 6000 બળદનો ઉમેરો થતાં હાલમાં કુલ 8000થી વધુ બળદની સંભાળ રાખવામાં આવી રહી છે.

આશ્રમમાં દરેક બળદને દૈનિક સરેરાશ 25 કિલો ઘાસચારો અને 60થી 70 લિટર પાણીની જરૂરિયાત રહે છે. હાલ આશ્રમમાં પ્રતિદિન 10000 મણ ઘાસચારો અને 5 લાખ લિટરથી વધુ પીવાનું પાણી પૂરું પાડવા માટે 8 જેટલા ટ્રેક્ટર-ટેન્કર કાર્યરત રાખવામાં આવ્યા છે. દૈનિક ઘાસચારો, પશુ સારવાર, દવાઓ, પાણી અને કર્મચારીઓના નિભાવ પાછળ આશ્રમને દરરોજ આશરે રૂ. 12 લાખનો ખર્ચ થઈ રહ્યો છે.

આ વિકટ સમયમાં નિભાવ ખર્ચ અને કેટલ કેમ્પ માટે બળદ આશ્રમના સંચાલકોએ વનતારાના ડિરેક્ટર અનંત અંબાણી પાસે મદદ માંગી છે. સંસ્થા દ્વારા ભવિષ્યમાં એક પણ બળદ નિરાધાર ન રખડે કે કતલખાને ન ધકેલાય તે હેતુથી 1 લાખ બળદને આશ્રય આપી શકાય તેવા વિશાળ ‘કેટલ કેમ્પ’નું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે.

બીજી તરફ, વર્ષો સુધી ખેતરમાં સાથે મહેનત કરનાર બળદ પરિવારના સભ્ય સમાન હોવાથી ખેડૂતો તેમને આશ્રમમાં સોંપતી વખતે ભાવુક બની જાય છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં પરિવારના બાળકો અને મોટેરાઓ વ્યથિત થતાં ખેડૂતો પોતાના બળદ પરત ઘરે પણ લઈ ગયા છે.