Rajkot News: રાજકોટ જિલ્લાના જસદણ અને વિંછિયા તાલુકાઓમાં સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન (Solid Waste Management)ની દિશામાં ઝડપી અને અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન, DRDA (જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી) અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ બંને તાલુકાઓમાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે સઘન સફાઈ ઝુંબેશની કામગીરી શરૂ કરવામાં આવી છે.
રોડ સાઇડ કચરાની સફાઇ અને સમીક્ષા
મંત્રી કુંવરજી બાવળીયાએ તાજેતરમાં વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સ્વચ્છતા અંગે અસરકારક પગલાં લેવા માટે સ્થાનિક તંત્ર સાથે ચર્ચા-વિમર્શ કર્યો હતો. આ સૂચનાના ભાગરૂપે, તાલુકા સ્તરે રોડની બંને બાજુએ પડેલો કચરો તેમજ નાના મોટા ડમ્પ પોઈન્ટ્સની સફાઈની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા કામગીરીની સતતતા જાળવવા માટે DRDA તરફથી દર પંદર દિવસે સમીક્ષા કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. DRDA જસદણ ટીમ દ્વારા મુખ્ય ગ્રામ પંચાયતોમાં ઘનકચરાનું પ્રમાણ કેટલું થાય છે તેની વિગતવાર ગણતરી કરવામાં આવી છે, જેથી આગામી દિવસોમાં ઘનકચરાના વૈજ્ઞાનિક રીતે નિકાલનું યોગ્ય પ્લાનિંગ કરી શકાય.
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ (PWMU)ની સ્થાપના
કચરાના યોગ્ય નિકાલ માટે જસદણ અને વિંછિયા તાલુકામાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ (PWMU) સ્થાપવા માટેની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. વિંછિયા તાલુકામાં PWMU માટે સરકારી જમીનની પસંદગીને DDO રાજકોટ તરફથી અગ્રતા આપવામાં આવી રહી છે.
જમીન મળ્યા બાદ, આ યુનિટ ખાતે આસપાસના ગામોમાંથી આવતો પ્લાસ્ટિક કચરો એકઠો કરવામાં આવશે અને તેનું વર્ગીકરણ, પ્રોસેસિંગ અને રિસાયકલ કરવાની વ્યવસ્થા મજબૂત બનશે.
રિલાયન્સ ફાઉન્ડેશનનો સહયોગ
જિલ્લા પ્રશાસન દ્વારા જમીન સંપાદન થયા બાદ રિલાયન્સ ફાઉન્ડેશન સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં PWMU માટે ઓપરેશનલ સપોર્ટ, ગ્રામ્ય સ્તરે પ્રચાર-પ્રસાર અને ગ્રામ્ય સ્તરે સ્ટાફ માટે ક્ષમતા નિર્માણ (Capacity Building) જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પાઇલોટ પ્રોજેક્ટની સફળતા બાદ આગામી સમયમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ સફાઈ કામગીરી સઘન બનાવવા માટે આયોજન કરવામાં આવશે.
