Rajkot News: રાજકોટ જિલ્લાના ભાયાવદર શહેરની ભાગોળે આવેલા પ્રસિદ્ધ ખોડિયાર માતાજીના સાનિધ્યમાં અને ડાકણીયા ડુંગરની તળેટીમાં તારીખ 14 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી એમ 3 દિવસીય ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે ભાયાવદર નગરપાલિકા દ્વારા આ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળાનું ઉદ્ધાટન તારીખ 14મી સપ્ટેમ્બરના રોજ કરાશે. તેવું જાણવા મળ્યું છે.
લોકમેળામાં શું હશે ખાસ?
આ ત્રણ દિવસીય લોકમેળામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને બાળકો, યુવાનો માટે મનોરંજન રાઇડ્સ મુખ્ય આકર્ષણ રહેશે. મેળામાં આવતા સહેલાણીઓના મનોરંજન માટે તારીખ. 15 અને 16 એમ બે દિવસ રાત્રિ દરમિયાન ભવ્ય મ્યુઝિકલ નાઇટનું પણ ખાસ આયોજન કરાયં છે.
મેળાની તડામાર તૈયારીઓ શરુ
લોક મેળાને સફળ બનાવવા માટે હાલ ભાયાવદર નગરપાલિકાના આગેવાનો અને વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મેળાના ગ્રાઉન્ડની સફાઈ, લાઈટિંગ, પીવાના પાણી સહિતની તમામ પ્રાથમિક સુવિઘાઓ પૂરી પાડવા માટે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
મુંબઈ સુરતથી લોકો ઉમટશે
દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળાને માણવા માટે ફક્ત સ્થાનિક લોકો જ નહી, પરંતુ મુંબઇ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, જામનગર સહિત દૂર દૂરના શહેરોમાં વસતા ભાયાવદરના લોકો અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે.
