Dhirendra Shastriji praised Kirtidan Gadhvi: જેમને સાંભળવા અનેક લોકો ઉત્સુક હોય છે તેવા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી કિર્તીદાન ગઢવીના ભજનો સાંભળવા બેસી ગયા. કિર્તીદાન ગઢવીએ પણ એવા ભાવથી મધુર સ્વર રેલાવ્યા કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી પણ તાળીઓ પાડવા લાગ્યા.
કિર્તીદાન ગઢવીનો ધીરેન્દ્ર શાસ્ત્રીજી પ્રત્યે ભાવ
સૌરાષ્ટ્રની ધરતી પર અત્યારે ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા હતો. રાજકોટમાં આયોજિત બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીની શ્રી હનુમંત કથામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ કથા દરમિયાન ગુજરાતની સંસ્કૃતિ અને લોકકલાનો પણ અદભૂત નજારો જોવા મળ્યો હતો. જ્યારે ગુજરાતના લોકપ્રિય ગાયક કિર્તીદાન ગઢવીએ કથા પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીજીને તેમની રૂમમાં ભજનો સંભળાવ્યા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થયો છે.
કિર્તીદાન ગઢવીએ ધીરેન્દ્ર શાસ્ત્રીજીને આ ગીત સંભળાવ્યું
કિર્તીદાન ગઢવીએ પોતાની આગવી શૈલીમાં અનેક લોકપ્રિય રચનાઓ રજૂ કરી હતી. તેમના ભજનોના શબ્દોએ વાતાવરણને દિવ્ય બનાવી દીધું હતું. "સાંસો કી માલા મેં સિમરું મૈં પી કા નામ, અપને મન કી મૈં જાણું ઔર પી કે મન કી રામ…" ગીતથી રૂમમાં હાજર બધા લોકો અભિભૂત થઈ ગયા હતા.
ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ જાહેર મંચ પરથી કિર્તીદાન ગઢવી અને માયાભાઈના વખાણ કર્યા
7 જૂનના રોજ યોજાયેલા દિવ્ય દરબાર પહેલા એક વિશેષ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કિર્તીદાન ગઢવીની સાથે ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર માયાભાઈ આહિર પણ ઉપસ્થિત રહ્યા હતા. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીએ કથા દરમિયાન આ બંને કલાકારોના ભરપેટ વખાણ કર્યા હતા. તેમણે વિશેષ ભાવ સાથે જણાવ્યું હતું કે, આ કલાકારો પર પરમ પૂજ્ય કથાકાર મોરારી બાપુના વિશેષ આશીર્વાદ છે, જે તેમની કલામાં સ્પષ્ટપણે દેખાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જેમના પર સાધુની કૃપા હોય તેઓ બધી જગ્યાએ લોકપ્રિય હોય છે અને હંમેશા સન્માન મેળવે છે. સાધુ પાસે રહેનારને યશ નહીં સુયશ મળે છે.
