Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે ચાલી રહેલી તપાસ અને વિવિધ અટકળો વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ પીડિત પરિવારોને તપાસ એજન્સીઓ પર ભરોસો રાખવા અપીલ કરી છે.
ઋષભ રૂપાણીએ જણાવ્યું કે, દેશ અને વિદેશમાં જ્યારે પણ આવી મોટી પ્લેન ક્રેશની ઘટનાઓ બને છે, ત્યારે તેની તપાસ પ્રક્રિયા ખૂબ લાંબી ચાલતી હોય છે. ટેકનિકલ કારણોસર તપાસમાં અનેક પ્રકારના કોમ્પ્લિકેશન (જટિલતાઓ) આવતા જ હોય છે.
હાલ તપાસ ચાલુ હોવાથી આ અંગે કોઈ આડેધડ કમેન્ટ કે ટીકા-ટિપ્પણી ન કરવી જોઈએ અને મામલાને વધુ ચગાવવો ન જોઈએ. આ મામલે સઘન ઇન્વેસ્ટિગેશન એફર્ડ્સ (તપાસના પ્રયાસો) ચાલી રહ્યા છે. આથી તમામ પરિવારોએ ધૈર્ય રાખવું જોઈએ.
ટાટા ગ્રુપ અને એર ઈન્ડિયા દ્વારા મારી બહેનને જવાબ અપાયો
કંપની સાથે સંપર્ક અંગે સ્પષ્ટતા કરતા ઋષભ રૂપાણીએ જણાવ્યું કે, મારી બહેન રાધિકા દ્વારા એર ઇન્ડિયા અને ટાટા ગ્રૂપ સાથે સતત ઇ-મેઇલ કમ્યુનિકેશન કરવામાં આવી રહ્યું છે. તેમણે સત્તાવાર રીતે કરેલા ઇ-મેઇલનો કંપની તરફથી જવાબ પણ આપવામાં આવ્યો છે. દુર્ઘટનાનો ભોગ બનેલા દરેક પીડિત પરિવારો પણ પોતાની રીતે કંપની સાથે ઇ-મેઇલ કમ્યુનિકેશન કરી જ રહ્યા છે.
તેમણે તમામ પીડિત પરિવારોને નમ્ર અપીલ કરતાં કહ્યું કે, મને તપાસ એજન્સીઓ પર પૂરો વિશ્વાસ છે. પ્રધાનમંત્રી સહિતના દેશના નેતાઓ પર વિશ્વાસ રાખીને આપણે તમામે તપાસ એજન્સીઓને પૂરતો સાથ અને સહકાર આપવો જોઈએ.
