Ahmedbad: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)ની ફાઈનલ મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS)ની ટીમો વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાંટાની ટક્કર જોવા મળશે. બન્ને ટીમો પહેલી વખત ફાઈનલ રમવા મેદાનમાં ઉતરી રહી હોવાથી ક્રિકેટ ફેન્સનો ઉત્સાહ પણ ચરમ પર છે. એવામાં પંજાબ કિંગ્સના ખેલાડીઓએ ફાઈનલ પહેલા પોતાનો લુક ચેન્જ કરી દીધો છે.
હકીકતમાં રાજકોટના ફેમસ હેર સ્ટાઈલિસ્ટ વિરેન બગથરિયા અને તેમની ટીમે પંજાબ કિંગ્સના ખેલાડીઓને નવો લુક આપ્યો છે. ખુદ ખેલાડીઓએ પોતાની હેર સ્ટાઈલ બદલવા માટે હોટલમાં વિરેન બગથરિયાને આમંત્રણ આપ્યું હતુ. જે બાદ હોટલ પર પહોંચેલી વિરેન બગથરિયા અને તેમની ટીમે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐય્યર સહિત અનેક ખેલાડીઓને ખાસ હેર સ્ટાઈલ કરી આપી છે.
જણાવી દઈએ કે, મૂળ ગોંડલના વતની વિરેન બગથરિયા ભારત સહિત વિશ્વના અનેક ક્રિકેટરોના વાળ કાપી ચૂક્યા છે.નાની દુકાનથી કારકિર્દીની શરૂઆત કરનાર વિરેન બગથરિયા આજે જાણીતી સેલેબ્રિટીના વાળ કાપવા માટે પ્લેનમાં મુંબઈ સુધી જાય છે. ટીમ ઈન્ડિયાના અનેક ક્રિકેટરો જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવે, ત્યારે તેઓ ખાસ વિરેન બગથરિયા પાસે હેર સ્ટાઈલ કરાવે છે. અત્યાર સુધીમાં વિરેન બગથરિયા વિરાટ કોહલી, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, ગૌતમ ગંભીર, યશસ્વી જયસ્વાલ, રાહુલ દ્વવિડ, મોહમ્મદ સિરાજ સહિતના ક્રિકેટરોના વાળ કાપી ચૂક્યા છે.
