રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાનો મોટો આક્ષેપઃ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીને ક્યારેય ઊભી નહીં થવા દે

તમને પાર્ટીમાંથી બાકાત કરવા અથવા લાંબા સમય સુધી કોઈ કેસમાં ફસાવવાનું ષડયંત્ર રચવામાં આવે છે. મેં આવા બે લોકોના નામ આપ્યા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 12 Feb 2026 05:02 PM (IST)Updated: Thu, 12 Feb 2026 05:02 PM (IST)
aap-leader-raju-karpadas-big-allegation-gopal-italia-wont-let-aap-stand

Raju Karpada vs Gopal Italia: આમ આદમી પાર્ટીમાંથી ગઇકાલે રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ આજે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં ગોપાલ ઇટાલિયા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, પાર્ટીમાંથી જે લોકો ગયા છે, તેમને શા માટે તકલીફ છે તે મને સમજાતું નથી, પરંતુ હું એક વાત ચોક્કસપણે કહીશ કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીને ક્યારેય ઊભી નહીં થવા દે.

પાર્ટીમાં એક સ્તર સુધી પહોંચ્યા પછી પણ તેમને પાર્ટી છોડવી પડી

રાજુ કરપડાએ આક્ષેપ કરતા કહ્યું કે, મારું સ્પષ્ટ માનવું છે કે આજ સુધી પૂર્વ નેતાઓ મહેશ સવાણી, ભૂપત ભાયાણી અને ઉમેશ મકવાણાના ઉદાહરણો આપીને પાર્ટીમાં આંતરિક રાજકારણ અને નેતાઓને બાકાત કરવાના ષડયંત્રોનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, પાર્ટીમાં એક સ્તર સુધી પહોંચ્યા પછી પણ તેમને પાર્ટી છોડવી પડી. મને લાગતું હતું કે મારે આવી પરિસ્થિતિનો સામનો નહીં કરવો પડે. જ્યારે તમે અરવિંદ કેજરીવાલજીના સંપર્કમાં આવો છો અને તેમને અહીંની વાસ્તવિકતા જણાવવાનો પ્રયાસ કરો છો, ત્યારે તમને પાર્ટીમાંથી બાકાત કરવા અથવા લાંબા સમય સુધી કોઈ કેસમાં ફસાવવાનું ષડયંત્ર રચવામાં આવે છે. મેં આવા બે લોકોના નામ આપ્યા છે.

શું તેઓ ખેડૂતોના હિતમાં કામ કરતી સત્તા પક્ષમાં જોડાશે? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, જ્યારે હું આપમાં હતો ત્યારે પણ કહેતો હતો કે જો સત્તા પક્ષ ખેડૂતો માટે બે સારા કામ કરશે તો હું જાહેરમાં તેમના વખાણ કરીશ. જો સત્તા પક્ષે ખેડૂતો માટે જોયેલા મારા સપના – જેમ કે મારા વિસ્તારમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા – પૂરા કરવાની તૈયારી દર્શાવશે, તો રાજુ કરપડા સત્તા પક્ષમાં જોડાશે. આજે મને લાગે છે કે કોઈપણ વિપક્ષી પાર્ટી સાથે રહીને ખેડૂતોના કામ કરવા મુશ્કેલ છે. બિનરાજકીય રીતે ખેડૂતોના કામ કરવા સરળ છે.

ચૂંટણી લડવા અંગે આજે મેં કંઈ નક્કી કર્યું નથી

ચૂંટણી લડવા અંગે તેમણે જણાવ્યું હતું કે, આજે મેં કંઈ નક્કી કર્યું નથી. 2022માં જ્યારે હું ચૂંટણી લડ્યો ત્યારે પણ મેં નક્કી નહોતું કર્યું, પાર્ટીએ કહ્યું કે સર્વેમાં મારું નામ આવે છે, તમારે લડવી જોઈએ. એક મહિના પહેલા મને ખબર પડી અને હું લડ્યો છું. હવે 2027ની ચૂંટણીને હજુ બે વર્ષની વાર છે, અગાઉથી હું કંઈ કહી ના શકું.

રાજુ કરપડાએ દબાણ હેઠળ પાર્ટી છોડી એ વાત પાયા વિહોણી

ઈસુદાન ગઢવીના એવા નિવેદનને પણ તેમણે પાયાવિહોણું ગણાવ્યું કે રાજુ કરપડાએ દબાણ હેઠળ પાર્ટી છોડી છે. કરપડાએ કહ્યું કે, આ વાત તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. હું તો હજુ પણ કહું છું કે પાર્ટીમાંથી મને મનાવવા ફોન નથી આવતા, પાર્ટીમાંથી ફોન આવે છે કે મૌન જાળવો.” ભાજપ તરફથી કોઈ ઓફર મળી છે કે કેમ, તે પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું, બિલકુલ નથી. સ્વાભાવિક છે કે કોંગ્રેસ અને ભાજપ બંને તરફથી પરોક્ષ રીતે સંપર્કો થતા રહે છે.

તેમને કદાચ આપણું કદ મોટું થાય તે પસંદ નહોતું

ઈસુદાન ગઢવીના એવા નિવેદન પર કે ભાજપ આમ આદમી પાર્ટીને તોડવાના પ્રયાસ કરી રહ્યું છે, તેના પર કરપડાએ કહ્યું કે, ઈસુદાનભાઈ મારા નજીકના મિત્ર છે અને તેમને મારી વિનંતી છે કે આપણામાંથી જ કોઈ આમ આદમી પાર્ટીને તોડવાના પ્રયત્નો કરી રહ્યું છે, તેને ઓળખી કાઢો. તેમણે વધુમાં કહ્યું કે, કોઈ રાજકીય માણસ નહોતો ત્યારે મને એટલી ખબર નહોતી કે વિસાવદરમાં… આવડી મહેનત કર્યા પછી અને ધારાસભ્ય બન્યા પછી, જે વ્યક્તિને આપણે ધારાસભ્ય બનાવ્યા, તેને કદાચ આપણું કદ મોટું થાય તે પસંદ નહોતું. જ્યારે અરવિંદજી રાજુ કરપડાને નજીક લેવા માંડ્યા, ત્યારથી આ સમસ્યાઓ શરૂ થઈ.

પાર્ટી છોડતા પહેલા અરવિંદ કેજરીવાલજી સાથે વાતચીત અંગે તેમણે જણાવ્યું કે, મેં કેજરીવાલજી સાથે આગલા દિવસે જ વાત કરી હતી. કેજરીવાલજીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ રૂબરૂ આવશે ત્યારે આ મુદ્દે ચર્ચા કરશે. પરંતુ મને ક્યાંકને ક્યાંક એવું લાગતું હતું કે મારા કારણે કોઈ વ્યક્તિ પાર્ટી છોડી દે, એવું હું કહેવા માંગતો નથી. મારા માટે ખેડૂતો અને ખેતમજૂરો વધુ મહત્વના હતા. તો ક્યાંકને ક્યાંક ખેડૂતો અને ખેતમજૂરોની લડાઈ લડવા માટે મને એવું લાગ્યું છે કે ખરેખર આ પ્લેટફોર્મ યોગ્ય નથી, એટલે મેં એ પ્લેટફોર્મ છોડ્યું છે.

AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આપ્યો વળતો જવાબ

આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ રાજુ કરપડા દ્વારા AAP પર કરાયેલા આક્ષેપોનો જોરદાર વળતો જવાબ આપ્યો છે. ઇટાલીયાએ આક્ષેપ કર્યો છે કે રાજુ કરપડાના નિવેદનો ભાજપ દ્વારા લિખિત સ્ક્રિપ્ટનો ભાગ છે અને તેઓ જેલની સજાથી બચવા માટે ખેડૂત આંદોલનની બલી ચડાવી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે રાજુ કરપડાએ ગાંધીનગરમાં ગૃહમંત્રી સાથે ગુપ્ત બેઠક કરી હતી અને ભાજપ સાથેની ગોઠવણના કારણે જ તેમને રાત્રે 10 વાગ્યે જેલમાંથી અસામાન્ય રીતે મુક્ત કરાયા હતા.

ઇટાલીયાએ વધુમાં જણાવ્યું કે આજે સુરેન્દ્રનગરની અદાલતમાં રાજુ કરપડાના બે કેસમાં આખરી સુનાવણી હોવાથી ભાજપે તેમના પર દબાણ કર્યું હતું કે જો તેઓ AAP પર આરોપ નહીં લગાવે તો તેમને કોર્ટમાં ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે, જેના કારણે કરપડાએ ભય અને લાચારીમાં આ પગલું ભર્યું છે, જ્યારે AAPએ અગાઉ રાજુ કરપડાના સમર્થનમાં 8 કિસાન મહાપંચાયતો કરી હતી અને તેમને વ્યાપક સમર્થન આપ્યું હતું.