Rajkot News: કહેવાય છે કે સાચી લગન અને અડગ વિશ્વાસ હોય તો અશક્ય લાગતા કાર્યો પણ પાર પડી જાય છે. રાજકોટમાં રહેતી 26 વર્ષીય ડોલી વડાલીયાની કહાની પણ કંઈક આવી જ છે. વર્ષ 2000માં આફ્રિકાના મોઝામ્બિકમાં જન્મેલી ડોલીને 26 વર્ષની લાંબી કાયદાકીય અને વહીવટી લડત બાદ આખરે ભારતનું નાગરિકત્વ અને પાસપોર્ટ મળી ગયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ 11 નવેમ્બરના રોજ તેને પાસપોર્ટ સોંપવામાં આવતા સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.
કુદરતી આફત બની હતી મુસીબતનું મૂળ
આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત 18 ફેબ્રુઆરી 2000ના રોજ થઈ હતી. ડોલીનો જન્મ મોઝામ્બિકના જાઈ-જાઈ (Xai-Xai) શહેરમાં થયો હતો. તે માંડ 18-20 દિવસની હતી ત્યારે ત્યાં ભયાનક વાવાઝોડું ત્રાટક્યું હતું. જીવ બચાવવાની દોડમાં તેના માતા-પિતા કોઈપણ સત્તાવાર દસ્તાવેજી પ્રક્રિયા કે જન્મ નોંધણી કરાવ્યા વિના જ તાત્કાલિક ભારત પરત આવી ગયા હતા અને રાજકોટમાં સ્થાયી થયા હતા.
લગ્ન બાદ પાસપોર્ટ માટે શરૂ થઈ અગ્નિપરીક્ષા
ડોલીનો ઉછેર રાજકોટમાં જ થયો, પરંતુ અસલી મુશ્કેલી વર્ષ 2023માં શરૂ થઈ. તેના લગ્ન રાજકોટના મૂળ વતની અને કેનેડામાં સ્થાયી થયેલા ખિલનકુમાર સાથે થયા. પતિ પાસે કેનેડા જવા માટે ડોલીએ પાસપોર્ટ માટે અરજી કરી, પરંતુ નાગરિકતાના કાયદાકીય પુરાવા ન હોવાથી 2023થી 2025 દરમિયાન તેની અરજી 3 વખત રદ થઈ. પાસપોર્ટ વિભાગે વિદેશમાં જન્મ અંગેનું કોન્સ્યુલર રજીસ્ટ્રેશન માંગ્યું હતું. ડોલી પાસે આધાર કાર્ડ સહિતના સ્થાનિક ઓળખપત્રો હતા, પરંતુ નાગરિકતા સાબિત કરવા માટે તે પૂરતા નહોતા.
હાઈકોર્ટથી લઈને દિલ્હી સુધીની દોડધામ
કાયદાકીય ગૂંચવણો વધતા આ મામલો ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો હતો. 30 એપ્રિલના રોજ સિંગલ બેન્ચે નોંધ્યું હતું કે નિયમ મુજબ જન્મના એક વર્ષમાં દૂતાવાસમાં નોંધણી ન થઈ હોવાથી કાયદાકીય રીતે તે ભારતીય નાગરિક ગણી શકાય નહીં. ત્યારબાદ પરિવારે ડિવિઝન બેન્ચમાં અપીલ કરી હતી. બીજી તરફ, પરિવારના સભ્યોએ સ્થાનિક સાંસદો પરષોત્તમ રૂપાલા અને રમેશ ધડૂક સમક્ષ રજૂઆત કરતા આ મુદ્દો કેન્દ્રીય ગૃહ અને વિદેશ મંત્રાલય સુધી પહોંચ્યો હતો.
વિશેષ મેમોરેન્ડમથી ખુલ્યો રસ્તો
તમામ તપાસ અને માનવીય અભિગમ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને મોઝામ્બિક સ્થિત ભારતીય દૂતાવાસે એક ખાસ મેમોરેન્ડમ બહાર પાડ્યું. તેના આધારે નવેમ્બર મહિનામાં મોઝામ્બિકના માપુટો (Maputo) ખાતેના ભારતીય હાઈ કમિશનમાં ડોલીના જન્મની સત્તાવાર નોંધણી પૂર્ણ કરવામાં આવી. આ પ્રમાણપત્ર મળતા જ પાસપોર્ટની પ્રક્રિયા સરળ બની ગઈ. 26 વર્ષના લાંબી રાહ જોયા બાદ હાથમાં પાસપોર્ટ આવતા ડોલી ભાવુક થઈ ગઈ હતી. હવે તે ટૂંક સમયમાં કેનેડા જઈને પોતાના પતિ સાથે નવા જીવનની શરૂઆત કરશે.
