પોરબંદરના સાંદીપનિના શ્રીહરિમંદિરમાં શ્રીરામનવમી ઉત્સવ આસ્થા અને ઉમંગભેર ઉજવાયો, ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ સંદેશો પાઠવ્યો

શ્રીરામ દરબારના ગર્ભગૃહના દ્વાર ખોલવામાં આવ્યા સૌ ભાવિકોએ ઉમંગ અને ઉલ્લાસ સાથે જયઘોષ કરીને શ્રી રામજન્મોત્સવના વધામણાં અને દર્શન કર્યા હતા.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sun, 06 Apr 2025 06:23 PM (IST)Updated: Sun, 06 Apr 2025 06:23 PM (IST)
shree-ram-navami-festival-celebrated-with-faith-and-enthusiasm-at-sri-hari-mandir-in-sandipani-porbandar-bhaishree-rameshbhai-oza-delivered-a-message

Porbandar News: શ્રીરામનવમીના પરમ પાવન ઉત્સવ નિમિત્તે સવારે વિધિવત પૂજા સાથે શ્રીહરિ મંદિરના સવારે સર્વે શિખરો પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ મધ્યાહ્નમાં તુલસીદાસજીની શ્રીરામચરિત માનસના બાલકાંડમાં વર્ણિત શ્રીરામ જન્મોત્સવની મંગલમયી ચોપાઈઓ તથા સંકીર્તનનું સાંદીપનિના ઋષિ અને જાણીતા કથાકાર શ્યામભાઈ ઠાકર અને સંસ્કૃત પાઠશાળાના ગુરુજનો અને ઋષિકુમારો દ્વારા સુમધુર રાગમાં સંગીતમય શૈલીમાં ગાન કરવામાં આવ્યુ.

ત્યારબાદ મધ્યાહન સમયે બરાબર બપોરે 12 વાગ્યે શ્રીહરિમંદિરના મુખ્યાજી દ્વારા શ્રીરામ દરબારના ગર્ભગૃહના દ્વાર ખોલવામાં આવ્યા સૌ ભાવિકોએ ઉમંગ અને ઉલ્લાસ સાથે જયઘોષ કરીને શ્રી રામજન્મોત્સવના વધામણાં અને દર્શન કર્યા હતા. શ્યામભાઈ ઠાકર અને શ્રીહરિમંદિરના મુખ્યાજી દ્વારા બાલસ્વરૂપ શ્રી રામજીને પંચામૃતથી સ્નાન કરાવીને વિવિધ દ્રવ્યોના જળ વડે અભિષેક કરવામાં આવ્યો અને એ સાથે વિધિવત મંત્રોચ્ચાર સાથે બાળ સ્વરૂપ શ્રીરામજીની પૂજા કરવામાં આવી અને આરતી ઉતારવામાં આવી. ત્યારપછી શ્રીરામજન્મોત્સવની બધાઈ ગાન સાથે શ્રીસીતારામજીની ઉત્સવ મૂર્તિને પારણામાં પધરાવવામાં આવી અને એમને ભેટ રમકડા પ્રસાદ અર્પણ કરવામાં આવ્યા.

શ્યામભાઈ ઠાકર અને હરિમંદિરના મુખ્યાજી તથા શ્રીરામનવમીના મુખ્ય મનોરથી રીતેશભાઈ પ્રહલાદભાઈ ઠક્કર અને પરિવાર દ્વારા શ્રીહરિ મંદિરમાં જન્મોત્સવના દર્શનમાં પધારેલા સર્વે ભાવિકોને રમકડા અને ચોકલેટ આપીને શ્રીરામજન્મની બધાઈ આપી હતી. ઉત્સવના પૂર્ણાહુતિ સમયે શ્યામભાઈ અને મનોરથી દ્વારા ઉત્સવ સ્વરૂપ શ્રીરામજીની મંગલ ઉત્સવ આરતી ઉતારવામાં આવી. આરતી બાદ શ્યામભાઈ ઠાકર દ્વારા મુખ્ય મનોરથી શ્રીરીતેશભાઈ ઠક્કરનું ઉપરણા અને પ્રસાદ આપી અભિવાદન કરવામાં આવ્યું.

આ મંગલમય અવસરે શ્રીહરિ મંદિરમાં શ્રીરામ દરબારનો ઋષિકુમારો દ્વારા દિવ્ય અને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. મધ્યાહ્ન સમયે અને સાંજે શ્રીજાનકીવલ્લભ ભગવાનના અલૌકિક શૃંગાર દર્શનનો અનેક ભાવિકોએ  લાભ લીધો હતો તેમજ સૌને પ્રસાદ આપવામાં આવ્યો હતો.

શ્રીરામનવમી નિમિત્તે પૂજ્ય ભાઈશ્રીનો સંદેશ
પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દિલ્હીમાં એકલ વિદ્યાલયોના ઉત્કર્ષ માટે શ્રીરામકથાનું રસપાન કરાવી રહ્યા છે. તેઓએ દિલ્હીથી શ્રીરામનવમી ઉત્સવને લઈને સંદેશ પાઠવ્યો હતો.

શ્રીરામનવમીનું પાવનપર્વ, ભગવાન શ્રીરામભદ્રના પ્રાગટ્યોત્સવનું પર્વ સંપૂર્ણ ભારતવર્ષ અને ભારતની બહાર બીજા દેશોમાં જે સનાતન ધર્માવલંબી રહે છે એ બધા મળીને આ ઉત્સવને મનાવે છે. શ્રીરામ ભગવાન ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ છે. અને એટલા માટે કહેવામાં આવ્યું છે કે શ્રીરામના ચરિત્ર મુજબ વ્યવહાર કરવો જોઈએ. રાવણના ચરિત્ર જેવો નહી. મર્યાદાપુરુષોત્તમ શ્રીરામજીનું ચરિત્ર એટલા માટે આદર્શજીવનની આચારસંહિતા છે એવું કહેવામાં આવ્યું છે. આપણે બધા જયારે રામનવમીનો ઉત્સવ માનવી રહ્યા છીએ તો એ પંક્તિઓ યાદ આવે છે.

હિન્દ મેં પ્રતિવર્ષ આતી હૈ એ નવમી રામકી ઔર રામ કા સુમિરન કરા જાતી હૈ નવમી રામ કી
અને જયારે રામનું સ્મરણ થાય છે ત્યારે રામજીના સંપૂર્ણ ચરિત્રનું પણ મનમાં સ્મરણ થઇ આવે છે. અને શ્રીરામજીના બધા ગુણ, શ્રીરામજીની મર્યાદા, એ દ્રષ્ટિ સાથે સામે આવે છે. ગુરુજનો અને માતા-પિતા પ્રત્યે પ્રેમ આદર, પ્રજા પ્રત્યે ભક્તવાત્સલ્ય, રાજાનો અનુરાગ વગેરે દરેક વાતોનું આપણે સ્મરણ કરીએ છીએ. શ્રીરામ અનંત ગુણગણનિલય છે અને જેટલા ધીર છે એટલા વીર છે  અને જેટલા વીર છે એટલા ધીર પણ છે. વીરતા અને ધીરતાનો સુભગ સમન્વય. ભગવાન શ્રીરામજીનું ચરિત્ર સદૈવ મનમાં રાખીને જયારે આપણે આ ઉત્સવ મનાવીએ છીએ ત્યારે શ્રીરામના પથ પર ચાલવા માટે આપણને પ્રેરણા મળે અને એના માટે આપણેસંકલ્પબદ્ધ થઈએ. સાથે સનાતનધર્મની ધ્વજાને ખુબજ ગૌરવપૂર્વક લહેરાવીશું અને ગર્વથી કહીશું અમે હિંદુ છીએ.