રેલ મુસાફરો માટે ખુશખબર! રાજકોટથી સિકંદરાબાદ સહિત 3 એક્સપ્રેસ ટ્રેનો આ તારીખથી બદલાઈ જશે, મુસાફરી બનશે વધુ સેફ!

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-શાલીમાર, પોરબંદર-સિકંદરાબાદ અને પોરબંદર-સંતરાગાછી એક્સપ્રેસમાં ઓક્ટોબરથી જૂના ICF રેકના સ્થાને આધુનિક LHB રેક જોડાશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 24 Aug 2026 11:39 PM (IST)Updated: Mon, 24 Aug 2026 11:39 PM (IST)
rajkot-trains-get-lhb-coaches-safer-faster-travel-by-oct-2026

Rajkot Division Railway News: સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ ડિવિઝનમાંથી મુસાફરી કરતા રેલવે યાત્રીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન મુસાફરીને વધુ સુરક્ષિત, ઝડપી અને ઝટકારહિત બનાવવાના હેતુથી રેલવે પ્રશાસને રાજકોટ વિભાગમાંથી દોડતી ત્રણ જોડી પ્રમુખ એક્સપ્રેસ ટ્રેનોમાં જૂના પરંપરાગત ICF (ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી) કોચ દૂર કરીને તેની જગ્યાએ આધુનિક LHB (લિંક હોફમેન બુશ) રેક જોડવાનો નિર્ણય કર્યો છે.

ઓક્ટોબર 2026થી આ ત્રણેય ટ્રેનો તબક્કાવાર રીતે નવી ટેકનોલોજી ધરાવતા કોચ સાથે પાટા પર દોડતી જોવા મળશે.

ઓક્ટોબર 2026થી આ ટ્રેનોનું બદલાશે કલેવર

રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીના તરફથી મળતી સત્તાવાર વિગતો મુજબ, નવીન રવાનગી શિડ્યુલ આ પ્રમાણે રહેશે-

પોરબંદર - શાલીમાર - પોરબંદર એક્સપ્રેસ (ટ્રેન નં. 12905/12906)

પોરબંદરથી 21 ઓક્ટોબરથી અને સામે પક્ષે શાલીમારથી 23 ઓક્ટોબરથી નવા LHB રેક સાથે શરૂ થશે.

પોરબંદર - સિકંદરાબાદ - પોરબંદર એક્સપ્રેસ (ટ્રેન નં. 20968/20967)

પોરબંદરથી 20 ઓક્ટોબરથી અને સિકંદરાબાદથી 21 ઓક્ટોબરથી LHB સુવિધા સાથે ચાલશે.

પોરબંદર - સંતરાગાછી - પોરબંદર એક્સપ્રેસ (ટ્રેન નં. 12949/12950)

પોરબંદરથી 23 ઓક્ટોબરથી અને સંતરાગાછીથી 25 ઓક્ટોબરથી આધુનિક કોચ સાથે ઓપરેટ થશે.

શા માટે LHB રેક મુસાફરો માટે ઉત્તમ છે?

જર્મન ટેકનોલોજી પર આધારિત LHB કોચ મુસાફરોની સુરક્ષા અને સુવિધા બંને દ્રષ્ટિએ અત્યાધુનિક ગણાય છે.

ઝટકા અને આંચકાથી મુક્તિ: આ કોચમાં ખાસ પ્રકારનું સસ્પેન્શન અને હાઈડ્રોલિક શોક એબ્ઝોર્બર હોવાથી હાઈ સ્પીડમાં પણ ટ્રેન હલતી નથી અને મુસાફરોને બ્રેકિંગ કે સ્પીડ વધતી વખતે આંચકા લાગતા નથી.

મજબૂત સ્ટેબિલિટી અને સ્પીડ: વજનમાં હલકા અને સ્ટેનલેસ સ્ટીલથી બનેલા આ કોચ વધુ સ્પીડમાં પણ સંપૂર્ણ સંતુલન જાળવી રાખે છે.

અકસ્માત સામે સુરક્ષા: આ કોચમાં 'એન્ટી ટેલિસ્કોપિક' ડિઝાઈન હોય છે. જેના કારણે ઈમરજન્સી કે અકસ્માતની સ્થિતિમાં કોચ એકબીજાની અંદર ઘૂસી જતા નથી કે ઉપર ચડી જતા નથી, જેથી જાનમાલનું જોખમ ઘણું ઘટી જાય છે.

પશ્ચિમ રેલવેના આ નિર્ણયથી લાંબા અંતરની મુસાફરી કરતા યાત્રીઓનો અનુભવ વધુ આરામદાયક બનશે અને ટ્રેન સંચાલનની ક્ષમતામાં પણ વધારો થશે.