Porbandar Kesar Mango: સામાન્ય રીતે વૈશાખ અને જેઠ મહિનાની કાળઝાળ ગરમીમાં માણવા મળતી સ્વાદિષ્ટ કેસર કેરી આ વર્ષે શિયાળાના પ્રારંભે જ બજારમાં જોવા મળી રહી છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારો નજીક આવતા જ કેસર કેરીની અણધારી આવક નોંધાતા સ્વાદપ્રિય લોકો અને વેપારીઓમાં ભારે આશ્ચર્ય સાથે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
યાર્ડમાં 170 કિલો કેરીની આવક
આ પણ વાંચો
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે, રાણાવાવ, ખંભાળિયા અને હનુમાનગઢથી કેસર કેરીના 17 બોક્સ એટલે કે, કુલ 170 કિલો જેટલી કેરી વેચાણ અર્થે આવી પહોંચી છે. મોસમના કસમયના પ્રારંભિક આગમનના લીદે બજારમાં કેરીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. હરાજી દરમિયાન કેસર કેરીના પ્રતિકિલો રુ.500થી લઈને રુ.1051 સુધીના ઊંચા ભાવ બોલાયા હતા.
કેરી શોખીનો માટે દિવાળી ખાસ
તહેવારોના દિવસોમાં સામાન્ય રીતે મિઠાઈ અને નમકીનની માંગ વધુ હોય છે, પરંતુ આ વર્ષે પોરબંદરવાસીઓને દિવાળીના પર્વ પર જ કેસર કેરીના રસ અને પૂરીની મજા માણવાની એક દુર્લભ અને અનોખી તક સાંપડી છે. ઉનાળાની ખાસિયત ગણાતી કેરી શિયાળાની શરૂઆતે જ માર્કેટમાં ઉપલબ્ધ થતાં સ્વાદના શોખીનો માટે આ દિવાળી ખરેખર ખાસ બની રહેશે.
