Porbandar: પોરબંદર એરપોર્ટ રોડ પર વહેલી સવારે ગોઝારો અકસ્માત, ચાર યુવાનોએ જીવ ગુમાવ્યો; એક સારવાર હેઠળ 

અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા અન્ય એક યુવાન હાલ સારવાર હેઠળ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 06 Apr 2026 09:58 AM (IST)Updated: Mon, 06 Apr 2026 01:30 PM (IST)
porbandar-airport-road-accident-3-youths-dead-in-bike-crash
HIGHLIGHTS
  • પોરબંદર એરપોર્ટ રોડ પર અકસ્માત
  • બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ
  • ચાર આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો

Porbandar Accident News: આજે વહેલી સવારે પોરબંદરના સુદામાપુરીથી એક અત્યંત ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. પોરબંદર એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ચાર આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

બે બાઇક વચ્ચે જોરદાર ટક્કર

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ગોઝારી ઘટના આજે વહેલી સવારે 5:00 થી 5:40 વાગ્યાના અરસામાં પોરબંદરના એરપોર્ટ રોડ પર બની હતી. બે મોટરસાયકલ સામ સામે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક પર સવાર યુવાનો રોડ પર ફંગોળાયા હતા, અને રસ્તા પર કાચ તથા બાઇકના પાર્ટ્સ વિખેરાયા હતા.

ચાર આશાસ્પદ યુવકોનું મોત

અકસ્માતમાં બંને બાઇક રસ્તાની બાજુમાં ફંગોળાઈ ગઈ હતી. અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ પાંચેય યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ ત્રણ યુવાનના મોત થયા હતા. જ્યારે અન્ય એક યુવાન પિયુષ લોઢારીને વધુ સારવાર માટે જામનગર લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં ખંભાળિયા નજીક તેનું પણ મોત થયું હતું.

naidunia_image

મૃતક યુવાનો પોરબંદરના પંચહાટડી, સોની બજાર અને આવાસ યોજના વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં 26 વર્ષીય મિલન નારણભાઈ બાદરશાહી, 18 વર્ષીય દિપેશ નીતિનભાઈ ઢાકેચા અને 17 વર્ષીય વનરાજ મનિષભાઈ ઝાલા સામેલ છે. તબીબોએ આ ત્રણેય યુવાનને મૃત જાહેર કરતા હોસ્પિટલ પરિસરમાં અત્યંત કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

એક ઈજાગ્રસ્ત હજુ સારવાર હેઠળ

આ અકસ્માતમાં અન્ય એક યુવાનને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 24 વર્ષીય પિયુષ કિશોરભાઈ લોઢારીની હાલત અત્યંત ગંભીર હતી, જેનું બાદમાં મોત થયું હતું. જ્યારે વિરડી પ્લોટમાં રહેતા 14 વર્ષીય પ્રતિક નિલેશભાઈ જેઠવા પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ છે. તેની હાલત સ્થિર અને સાધારણ હોવાનું જાણવા મળ્યું છે.

પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે, અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. વહેલી સવારના સમયે સર્જાયેલી આ ઘટનાના સમાચાર વહેતા થતા પોરબંદરના સોની બજાર અને પંચહાટડી જેવા વિસ્તારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.