રાણીની વાવ ઉત્સવ-2025: વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે સંગીત સમારોહ યોજાયો, સુપ્રસિદ્ધ ગાયક ઓસમાણ મીરના સુરે લોકો ઝૂમ્યા

પાટણ જિલ્લાની આન,બાન અને શાન એવી વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે બે દિવસીય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Fri, 21 Feb 2025 08:18 AM (IST)Updated: Fri, 21 Feb 2025 08:18 AM (IST)
rani-ki-vav-festival-2025-music-concert-held-at-the-world-heritage-site-rani-ki-vav-people-danced-to-the-tunes-of-legendary-singer-osman-mir

Rani Ki Vav Festival-2025: ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતુ હોય છે. જે અન્વયે પાટણ જિલ્લાની આન,બાન અને શાન એવી વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે બે દિવસીય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પ્રવાસન અને વન મંત્રી મૂળુભાઈ બેરાની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં રાણીની વાવ ઉત્સવ-2025 કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોકગાયક ઓસમાણ મીરે જોરદાર જમાવટ કરી હતી.

પાટણવાસીઓ ઓસમાણ મીરના તાલે ઝુમી ઉઠ્યા હતા. ઓસમાણ મીરની  સાથે સુપ્રસિદ્ધ લોકગાયિકા સુશ્રી અપેક્ષા પંડ્યા પણ જોડાયા હતા. ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદેશ્ય આજના યુવાઓને ભારતીય સંસ્કૃતિ અને લોકકલાઓથી વાકેફ કરવાનો છે.

આજરોજ ઐતિહાસીક નગરી પાટણનો 1280મો સ્થાપના દિવસ છે. પાટણના સ્થાપના દિવસે મંત્રી બળવંતસિંહ રાજપૂતની અઘ્યક્ષતામાં આયોજીત આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર અને કલાકારવૃંદ ઓસમાણ મીર તથા સુપ્રસિદ્ધ લોકગાયિકા અપેક્ષા પંડ્યાએ પોતાના તાલે રાણકી વાવને રંગી દીધી હતી. લીલીછમ હરીયાળી વચ્ચે રાણકી વાવની સુંદરતા અને એમાંય ઓસમાણ મીરના સુપ્રસિદ્ધ ગીતો...! રાણકી વાવની સુંદરતામાં આજે ચાર ચાંદ લાગી ગયા હતા. રાણકી વાવનો આજે જાણે ખરા અર્થમાં સુરોથી શણગાર થયો હોય તેવું લાગી રહ્યું હતુ.

સંગીત સમારોહમાં પાટણની જનતાને સંબોધિત કરતા કેબિનેટ મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂતે  પાટણનાં 1280માં સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતુ કે, આજનો દિવસ પાટણ માટે ઉત્સાહ અને ગૌરવનો દિવસ છે. પ્રાચીન સમયમાં ભારતવર્ષમાંથી 25% વેપાર ઐતિહાસિક પાટણ નગરીમાં થતો હતો. પાટણ શહેરનો સમાવેશ ભારતના 10 મોટા શહેરમાં થતો હતો. મંત્રીશ્રીએ જણાવતા કહ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોને લીધે યુનેસ્કો દ્વારા વર્ષ 2014માં રાણીની વાવને વિશ્વ વિરાસતનો દરજ્જો મળ્યો અને ત્યારબાદ રાણીની વાવની પ્રતિકૃતિ રૂપિયા 100ની ચલણી નોટ પર અંકિત કરવામા આવી. આજે દેશ-વિદેશથી લોકો રાણીની વાવની મુલાકાતે આવી રહ્યાં છે. વિરાસતની પરંપરાને આગળ ધપાવતા રાજ્ય સરકાર દ્વારા પાટણ મ્યુઝીયમનું નામ બદલીને રાજમાતા નાયિકાદેવી સંગ્રહાલય કરતા પાટણવાસીઓ રાજમાતા નાયિકાદેવીના ગૌરવપૂર્ણ ઇતિહાસથી પરિચિત થશે.

રાણીની વાવ ઉત્સવ-2025 પ્રસંગે પ્રવાસન વન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ પ્રસંગે અને પાટણ શહેરના સ્થાપના દિવસે પાટણ નગરજનોને શુભેચ્છા આપુ છું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી જ વિકાસની સાથે વિરાસત ઉજાગર કરવાનું કામ ચાલુ કર્યું. જેના લીધે  પાટણનું પટોળું, રાણીની વાવને દેશ અને દુનિયામાં સ્થાન મળ્યું છે.

પાટણ સ્થાપના દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા પાટણની વિરાસત વિશ્વમાં ઉજાગર થાય તે માટે પાટણ મ્યુઝીયમનું નવું નામ રાજમાતા નાયિકાદેવી સંગ્રહાલય આપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.  પાટણની સ્થાપના દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા રાજમાતા નાયિકાદેવીને  સાચી શ્રદ્ધા સુમન કરવામાં આવી છે.  રાજમાતા નાયિકાદેવી સંગ્રહાલય નામાંકરણથી પાટણ જિલ્લામાં પ્રવાસીઓ આવશે જેથી પ્રવાસનને વેગ મળશે તેનો મને વિશ્વાસ છે.

આજરોજ આયોજીત સંગીત સમારોહમાં  જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન ઠાકોર, નગર પાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર,  જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી  સી.એલ. પટેલ, પ્રાંત અધિકારીશ્રી તેમજ અધિકારી - કર્મચારીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, બહોળી સંખ્યામાં પાટણની જનતા ઉપસ્થિત રહી હતી.