Patan News: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રાણીસર (અંતરનેસ) ગામમાં ગુરૂવારની રાત્રે ગામના યુવાન સાથે ખોટા સંબંધ હોવાના વહેમ રાખી પિતરાઈ ભાઈએ બહેનને છરીના ઘા માર્યા હતા. થાયલ યુવતીને સારવાર અર્થે દવાખાને દાખલ કરાઈ હતી. પરંતુ છરીના થા પેટમાં ઊંડા વાગેલા હોવાથી યુવતીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યું હતું. આ બાબતે યુવતીના પિતા દ્વારા વારાહી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે મળતી વિગત મુજબ, સાંતલપુર તાલુકાના રાણીસર ગામમાં રહેતા મામદ રહીમ ઈસ્માઈલભાઈ ભાટીના ભાઈ સલીમભાઈ તેમના દીકરાને દવાખાને લઈ અમદાવાદ ખાતે ગયા હતા. મામદરહીમ ભાઈની દીકરી હસીનાને ઘરનું કામકાજ કરવા માટે જવાનું કહ્યું હતું. ગુરૂવારની રાત્રે વાળું પાણી કરીને મામદરહીમ સૂતા હતા ત્યારે રાત્રીના સવા દસેક વાગ્યે સલીમભાઈના ઘર પાસે હોબાળો થતા તેઓ પત્ની સાથે ત્યાં જવા નીકળ્યા હતા.
ત્યારે તેમનો ભત્રીજો ભાટી ભાઈ ખાન હાથમાં લાકડી લઈ તેમના જ ગામના રેમભા ભાટી સાથે બોલાચાલી કરતો હતો. ત્યારે હસીના પણ બાજુમાં ઊભેલી જોવા મળી હતી. અચાનક ગુસ્સે થયેલા ભાઈ ખાને લાકડી માથાના ભાગે મારતા રેમભા ભાટી જમીન ઉપર ઢળી પડ્યો હતો. ત્યારબાદ ભાટી ખાને ફેટમાં રહેલી છરી કાઢી હસીનાના પેટમાં ઉપરા ઉપરી બે ઘા મારતા લોહી લુહાણ હાલતમાં હસીના જમીન ઉપર ઢળી પડી હતી. ત્યારે તેના કાકા અને કાકીને સામેથી આવતા જોઈ ભાઈખાન ભાગી ગયો હતો.
