Patan News: પાટણની એક શાળાના શિક્ષકને વિદ્યાર્થિની છેડતી કરવાના ગુનામાં સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા 4 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. વિદ્યાર્થિનીને પેપર ચેક કરવાના બહાને ઘરે બોલાવી હતી અને છેડતી કરી હતી જે અંગેના પુરાવાઓના આધારે સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ દ્વારા સંસ્કૃત શ્લોક 'ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે..નમઃ' ટાંકીને આ ચૂકાદો આપવામાં આવ્યો છે. ગુરુની મહિમા વર્ણવતો આ શ્લોક 39 પાનાના ચૂકાદામાં ટાંકવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ભોગ બનનાર વિદ્યાર્થિની આરોપી રણજીત ચૌધરી જે શાળામાં શિક્ષક હતો એ જ શાળામાં અભ્યાસ કરતી હતી. તેમજ આરોપીની દીકરી સાથે બેડમિન્ટન રમતી હતી. જે દરમિયાન તે આરોપીના સંપર્કમાં આવી હતી. 21 એપ્રિલ 2024ના રોજ સાંજના સમયે વિદ્યાર્થિનીના પિતાના મોબાઇલ પર આરોપીએ મેસેજ મોકલ્યો હતો અને ધોરણ 1ના ગુજરાતીના પેપર ચેક કરવાનું બહાનું કરીને શહેરના ગુંગડી તળાવ પાસે બોલાવી હતી. વિદ્યાર્થિનીને એક્ટિવામાં બેસાડીને આરોપી પોતાના ઘરે લઇ ગયો હતો.
પોતાના ઘરે પહોંચ્યા બાદ આરોપીએ છેડતી કરવાનું શરૂ કરતા વિદ્યાર્થિનીએ વિરોધ કર્યો હતો. પેપરની થેલી રૂમમા મુકવાનું કંઇ અંદર બોલાવી હતી પરંતુ વિદ્યાર્થિનીએ તેનો ઇન્કાર કરી દેતા આરોપીએ બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ડરેલી વિદ્યાર્થિની તેને ધક્કો મારીને ત્યાંથી જતી રહી હતી અને સમગ્ર બનાવ અંગે પોતાના વાલી અને બહેનપણીને કરી હતી. જે બાદ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ મથકે સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને બનાવ સંબંધિત કોલ ડિટેઇલ રેકોર્ડ, વૈજ્ઞાનિક પુરાવા સહિતના પુરાવા એકત્રિત કરીને ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. સરકારી વકીલ દ્વારા પુરાવા અને દલીલો રજૂ કરવામાં આવી હતી. ઘટના સમયે વિદ્યાર્થિનીની ઉમર 16 વર્ષ, 9 મહિના અને 18 દિવસ હોવાનું ટ્રાયલ દ્વારા માન્ય રાખવામાં આવ્યું હતું. પુરાવા અને દલીલોના આધારે સ્પેશિયલ પોક્સો કોર્ટના જજે 39 પાનાનો ચૂકાદો આપ્યો હતો. જેમાં તેમણે સંસ્કૃતનો ગુરુબ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ ટાંક્યો હતો. ગુરુ રક્ષકના બદલે ભક્ષક બનીને શોષણ કરે એ અશોભનિય કૃત્ય છે. તેમણે ભોગ બનનાર વિદ્યાર્થિનીની હિંમતને બિરદાવી હતી. કોર્ટે શિક્ષક રણજીત ચૌધરીને દોષિત જાહેર કરીને 4 વર્ષની સખત કેદ અને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
