Patan: પેપર ચેક કરવાના બહાને બોલાવી વિદ્યાર્થિનીની છેડતી કરનાર શિક્ષક દોષિત, સ્પેશિયલ પોક્સો કોર્ટે 4 વર્ષની કેદની સજા ફટકારી

પાટણની એક શાળાના શિક્ષકને સગીરાની છેડતી કરવા બદલ સ્પેશિયલ પોક્સો કોર્ટે 4 વર્ષની કેદની સજા ફટકારી છે. શિક્ષકે પેપર ચેક કરવાના બહાને વિદ્યાર્થિનીને ઘરે બોલાવી અડપલાં કર્યા હતા, જેના પર કોર્ટે કડક વલણ અપનાવી ચુકાદો આપ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 28 Oct 2026 07:45 PM (IST)Updated: Wed, 28 Oct 2026 07:45 PM (IST)
patan-teacher-sentenced-to-4-years-imprisonment-for-molesting-minor-student


Patan: આજથી અઢી વર્ષ પૂર્વે પાટણ શહેરની એક શાળામાં અભ્યાસ કરતી સગીરાની છેડતી કરવાના કેસમાં આરોપી શિક્ષકને 4 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. સ્પેશિયલ પોક્સો કોર્ટે તમામ પુરાવાઓ અને દસ્તાવેજને ધ્યાનમાં રાખીને શિક્ષકને દોષિત ઠેરવીને ચુકાદો આપ્યો છે.


શિક્ષકે પેપર ચેક કરવાના બહાને વિદ્યાર્થિનીને ઘરે લઈ જઈ અડપલાં કર્યાં હતા

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વિસનગર તાલુકાના ખંડોસણ ગામમાં રહેતા રણજીતકુમાર ચૌધરી પાટણ શહેરની એક ખાનગી શાળામાં ગુજરાતી અને વ્યાયામના શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. ગત એપ્રિલ-2024માં રણજીતકુમારે સગીરાને પેપર ચેક કરવાના બહાને પોતાના ઘરે લઈ ગયો હતો.

જ્યાં આરોપી શિક્ષકે સગીરાને અડપલા કર્યાં હતા. તેમજ અંદર રૂમમાં ખેંચીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સગીરા આરોપીને ધક્કો મારીને નીકળી ગઈ હતી અને પોતાના વાલીને શિક્ષકની કરતૂત વિશે જાણ કરી હતી. જે બાદ સમગ્ર મામલો પોલીસ ચોપડે ચડ્યો હતો.

આ કેસની તપાસ કરી રહેલ પાટણ સિટી બી ડિવિઝન પોલીસની ટીમે FSLના રિપોર્ટ, સગીરાનું નિવેદન અને કોલ ડિટેલના રેકોર્ડ સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેના આધારે સ્પોશિયલ પોક્સો જજે 39 પાનાના ચુકાદામાં સંસ્કૃત શ્લોક 'ગુરુબ્રહ્મા ગુરુવિષ્ણુ' શ્લોક ટાંકીને નોંધ્યું કે, જ્યારે ગુરુ વાસના સંતોષવા પોતાના શિષ્યનું શારીરિક શોષણ કરે, તે અશોભનીય કૃત્ય છે. આ કૃત્ય બદલ કડક વલણ અપનાવી જજે આરોપીને 4 વર્ષની કેદની સજા ફટકારી હતી. આ સાથે જ પીડિત સગીરાને રૂ. 50 હજારનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.