સ્વચ્છ ભારત મિશન હેઠળ પાટણ જિલ્લામાં 62.50% કામગીરી પૂર્ણ, જાણો કેટલો થયો ખર્ચ

પાટણના ચાણસ્મા તાલુકાના સરસાવ ગામના પોપટભાઈને સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય બનાવવા રૂ. 12,000ની સહાય મળી. જાણો યોજનાનો લાભ અને જિલ્લામાં ફેઝ-2ની કામગીરીના આંકડા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 24 Nov 2026 10:04 AM (IST)Updated: Tue, 24 Nov 2026 10:04 AM (IST)
patan-swachh-bharat-mission-6250-percent-progress-in-phase-2

Swachh Bharat Mission: પાટણ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ફેઝ-2ની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે આયોજનબદ્ધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સપ્ટેમ્બર-2026 અંતિત પ્રગતિના આંકડા અનુસાર, ફેઝ-2 હેઠળ કુલ 1,712ના ભૌતિક લક્ષ્યાંક સામે 1,070ની સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે. આમ, વાર્ષિક ભૌતિક લક્ષ્યાંક સામે જિલ્લામાં 62.50 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેવી જ રીતે, યોજનાના અમલીકરણ માટે કુલ રૂ. 1,431.37 લાખના નાણાકીય લક્ષ્યાંક સામે રૂ. 468.15 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ, નાણાકીય લક્ષ્યાંક સામે 32.71 ટકાની સિદ્ધિ નોંધાઈ છે.

સરસાવ ગામના રહેવાસીનો અનુભવ

જિલ્લામાં યોજનાના લક્ષ્યાંકોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાની સુવિધાઓનો વ્યાપ વધારવા માટે સંબંધિત તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સરકારી યોજનાની સાચી સફળતા ત્યારે સાબિત થાય છે, જ્યારે તેનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચે અને તેના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સરસાવ ગામના રહેવાસી પોપટભાઈ કાનજીભાઈ રાવળનો અનુભવ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ની આવી જ એક સકારાત્મક અસર દર્શાવે છે.

પોપટભાઈ રાવળ જણાવે છે કે, અગાઉ તેમના પરિવારને શૌચાલયની સુવિધા ન હોવાથી બહાર શૌચક્રિયા માટે જવું પડતું હતું. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તેમણે પોતાના ઘરે શૌચાલયનું નિર્માણ કરાવ્યું, જેના માટે સરકાર તરફથી રૂ. 12,000ની પ્રોત્સાહક સહાય પણ પ્રાપ્ત થઈ હતી.

શૌચાલય માટે પરિવારને મળી સરકારી સહાય

પોતાનો અનુભવ વ્યક્ત કરતાં પોપટભાઈ કહે છે કે, "મારું નામ પોપટભાઈ કાનજીભાઈ રાવળ છે. હું સરસાવ ગામનો વતની છું. મારો તાલુકો ચાણસ્મા અને જિલ્લો પાટણ છે. મેં સ્વચ્છતા અભિયાન અંતર્ગત મારા ઘરે શૌચાલય બનાવ્યું, જેના રૂ. 12,000 મને મળી ગયા છે. આ શૌચાલય બનવાથી મારા નાનાં બાળકો સહિત અમારા પરિવારના તમામ સભ્યો ખૂબ જ ખુશ થયા છે. હવે અમારે બહાર શૌચક્રિયા માટે જવું પડતું નથી. આ યોજનાનો લાભ મળવાથી અમને ઘણો ફાયદો થયો છે. આ માટે હું સરકારનો ખૂબ ખૂબ આભારી છું."

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના બીજા તબક્કાનો મુખ્ય ઉદ્દેશ માત્ર શૌચાલયોનું નિર્માણ કરવાનો નથી, પરંતુ ગામડાંમાં સ્વચ્છતાની વ્યવસ્થાને લાંબા ગાળે ટકાઉ બનાવવાનો છે. આ અંતર્ગત ખુલ્લામાં શૌચમુક્ત સ્થિતિ જાળવી રાખવા ઉપરાંત ઘન અને પ્રવાહી કચરાના યોગ્ય વ્યવસ્થાપન, પ્લાસ્ટિક કચરાના નિકાલ, જૈવિક કચરાના વ્યવસ્થાપન અને ગામની જાહેર જગ્યાઓને સ્વચ્છ રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.

જૈવિક કચરામાંથી ખાતરને પ્રોત્સાહન

ગામડામાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે કચરાનું વર્ગીકરણ, કચરાના સંગ્રહ અને જૈવિક કચરામાંથી ખાતર બનાવવાની વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં આવે છે. જ્યારે પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટે સોક પિટ, નિકાલની યોગ્ય વ્યવસ્થા અને અન્ય સ્થાનિક સ્તરે ઉપયોગી માળખાં વિકસાવવા પર ભાર મૂકવામાં આવે છે. આ ઉપરાંત, ગામમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા અને નાગરિકોમાં સ્વચ્છતાની આદતો વિકસાવવા વિવિધ માહિતી, શિક્ષણ અને સંચાર પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.