Patan: HNGUની મેગા ભરતીનો ફિયાસ્કો: યુનિવર્સિટીએ 'હાથ ઊંચા' કરી કોલેજોને સ્ટાફની ભરતી કરવાની જવાબદારી આપી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ સંલગ્ન 510 કોલેજોમાં 6100 જગ્યા ભરવા મેગા ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં સ્ટાફની અછતના લીધે 3000 બેઠકો ખાલી રહી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 12 Apr 2026 09:24 AM (IST)Updated: Sun, 12 Apr 2026 09:24 AM (IST)
patan-news-hemchandracharya-university-staff-recruitment-colleges-responsibility

Patan News: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) સંલગ્ન 510 કોલેજોમાં શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફની ખાલી જગ્યાઓ ભરવા માટે યોજાયેલા મેગા ઈન્ટરવ્યૂનું પરિણામ અત્યંત નિરાશાજનક રહ્યું છે. 6100 જગ્યાઓ ભરવા માટે ત્રણ દિવસ સુધી ચાલેલી આ મસમોટી કવાયત છતાં લાયકાત ધરાવતા ઉમેદવારો ન મળતા હજુ પણ 3000 જેટલી બેઠકો ખાલી રહી છે.

સ્ટાફ આપૂર્તિમાં નિષ્ફળતા

નવાઈની વાત એ છે કે, આ ભરતી પ્રક્રિયા દ્વારા યુનિવર્સિટીએ ફોર્મ અને પ્રોસેસિંગ ફી પેટે અંદાજે ₹1.50 કરોડની માતબર આવક કરી છે. જોકે, આટલી મોટી આવક છતાં સ્ટાફ પૂરો પાડવામાં યુનિવર્સિટી નિષ્ફળ રહી છે. ખાસ કરીને આર્ટસ અને સાયન્સ ફેકલ્ટીમાં તો માંડ 50 ટકા સ્ટાફ જ મળી શક્યો છે.

યુનિવર્સિટીએ કોલેજોને 'રામ ભરોસે' છોડી

ભરતી પ્રક્રિયામાં નિષ્ફળતા મળતા 10 એપ્રિલે જાહેર કરેલા એક પરિપત્રમાં રજીસ્ટ્રારે સ્પષ્ટ કર્યું છે કે, હવે યુનિવર્સિટી સ્તર પર કોઈ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં. જે કોલેજોમાં જગ્યાઓ ખાલી છે, તેમણે હવે પોતાની રીતે જ ફરજિયાત સ્ટાફની ભરતી કરવાની રહેશે. આમ, યુનિવર્સિટીએ પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા છે.

શું છે સંચાલકોનું કહેવું?

બીજી તરફ, કોલેજ સંચાલકોનું કહેવું છે કે, યુનિવર્સિટીએ ઇન્ટરવ્યૂ તો કર્યા પણ લાયકાતના ધોરણો એટલા કડક છે કે પૂરતા ઉમેદવારો મળતા નથી. જો યુનિવર્સિટી અને સરકાર લાયકાતના નિયમોમાં થોડી હળવાશ આપે, તો જ ખાલી બેઠકો ભરી શકાય તેમ છે. હાલ તો યુનિવર્સિટીની આ મેગા ડ્રાઈવ માત્ર નામ માત્રની કહી શકાય.